અમેરિકામાં AIને કામે લગાડી કર્મચારીઓને રવાના કરવાની ઝૂંબેશમાં વિખ્યાત IBM કંપનીએ પણ જોડાઈ આઠ હજાર કર્મચારીઓને રવાના કરી દેવાયા છે. મોટાભાગની નોકરીઓ હ્યુમન રિસોર્સ એટલે કે, HR વિભાગમાંથી કપાઈ છે. આ મહિનાની શરૂઆતમાં IBM દ્વારા AI એજન્ટ્સને કામે લગાડી 200 નોકરીઓનું કામ AIને સોંપી દેવાયું હતું. માણસો દ્વારા જે કામ થતાં હતા તે કામો હવે AI કરે છે અને ઘણાં કામ તબક્કાવાર રદ કરવામાં આવી રહ્યા છે. AIને કામે લગાડી કર્મચારીઓને રવાના કરવાનું વલણ IBM પૂરતું મર્યાદિત નથી. ઘણી અમેરિકન કંપનીઓમાં આ વલણ જોવા મળી રહ્યું છે. દુનિયામાં ઘણી કંપનીઓ તેમના કામને આપોઆપ કરવા માટે AI સંચાલિત ટૂલ્સનો ઉપયોગ કરી ખર્ચ ઘટાડવાના અખતરાઓ કરી રહી છે.
કંપની આ રીતે થનારી બચતનો ઉપયોગ સોફ્ટવેર ડેવલપમેન્ટ, સેલ્સ અને માર્કેટિંગ જેવી પ્રવૃત્તિઓમાં કરશે. IBM દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમે દરેક નોકરીઓમાં કાપ મૂકી નથી રહ્યા પણ માત્ર ફોકસ બદલી રહ્યા છીએ, જેમાં રૂટીન કામ હોય. ખાસ કરીને બેક ઓફિસમાં તેને AIને સોંપી માર્કેટિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવા વધારે સર્જનાત્મક અને વ્યૂહાત્મક વિચારણા કરવા પડે તેવા કામ પર અમે વધારે ફોકસ કરી રહ્યા છીએ. IBMનાં ચીફ HR ઓફિસર નિકલ લા મોરોએ જણાવ્યું હતું કે, AIનો ઉપયોગ થવાથી તમામ નોકરીઓ ગાયબ થઈ જશે એવું નથી. બહું ઓછાં કામો છે જે સંપૂર્ણપણે AI સંભાળશે. રૂટિન કામો જેમાં એકધારું પુનરાવર્તન કરવું પડતું હોય તેવા કામો AIને સોંપી તેમાંથી કર્મચારીઓને મુક્ત કરી તેમને નિર્ણય કરવો પડે તેવા કામો પર ફોકસ કરવા જણાવાશે.
