સમગ્ર દેશના ૨૪૪ કરતા વધારે જિલ્લાઓમાં ઓપેરેશન અભ્યાસ હેઠળ મોકડ્રીલ યોજાવાની સાથે તાપી જિલ્લામાં થર્મલ પાવર સ્ટેશન, હાઈડ્રો પાવર સ્ટેશન-ઉકાઈ, જે.કે. પેપર મીલ- સોનગઢ, કાકરાપાર સાઈટ એમ ચાર સ્થળો સહીત જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કુકરમુંડામાં એસ.ટી ડેપો પર, ડોલવણમાં ચાર રસ્તા પર, વાલોડ મેઈન રોડ, ઉચ્છલ મેઈન બજાર, નિઝર એસ.ટી ડેપો ખાતે આ અભ્યાસ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર જિલ્લામાં થયેલા મોક ડ્રીલનું આયોજન અને કંટ્રોલિંગ ડીઝાસ્ટર સેલના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી મામલતદાર સાથે સંકલનમાં રહી કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં યોજાયેલી આ મોકડ્રીલનો હેતુ વિપત્તિ સમયે તંત્રની પ્રતિસાદ ક્ષમતા તેમજ જનજાગૃતિ વધારવાનો હતો. પોલીસ, મામલતદાર કચેરી, ડી.જી.વી.સી.એલ, ફાયર, આરોગ્ય, આર.ટી.ઓ. તેમજ પંચાયતના વિવિધ અધિકારીઓ, કર્મચારીઓને સાહિત્ય અને વિડીઓ દર્શાવી આ માટેની ટ્રેનિંગ આપી મોકડ્રીલ માટે સજ્જ કરવામાં આવ્યા હતા. એકબીજાના સંકલનમાં રહી તમામ સ્થળે આ મોક ડ્રીલ સફળતા પૂર્વક પાર પાડવામાં આવી હતી. સાયરન વગાડી સાથે આકસ્મિક સંજોગોમાં શું કરવું તે અંગે જાહેર સૂચના આપવામાં આવી હતી. સ્થળ પર હાજર જાહેર જનતાને ઈમરજન્સીની પરિસ્થિતિમાં ક્યાં પગલાં લેવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જો કે, આ મોકડ્રિલ દરમિયાન કોઈ જાનહાની થયેલ નથી.
