રાજ્યમાં પ્રવર્તિ રહેલી આપાતકાલિન સ્થિતિ વચ્ચે, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિએ, જિલ્લા વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ સાથે અગત્યની બેઠક યોજી, જનજીવનને થયેલી અસરોની જાણકારી મેળવી હતી. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક અગત્યની બેઠકમાં લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ પાસેથી સુક્ષ્મ વિગતો મેળવતા પ્રભારી મત્રી કુંવરજીભાઈ હળપતિએ, વરસાદને કારણે પોતાના જાનમાલનું નુકશાન વેઠનાર પ્રજાજનોના કેસમાં, માનવીય અભિગમ સાથે સર્વે અને સહાય ચુકવણી જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી.
રાજ્ય સરકાર માનવ જીવન બચાવવાને ખુબ પ્રાધાન્ય આપે છે તે વાત દોહરાવતા મંત્રીશ્રીએ, અસરગ્રસ્ત પરિવારોની પડખે રહી, વહીવટી પ્રક્રિયાની ઝડપી કાર્યવાહીની પણ તાકીદ કરી હતી. રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ ગત સપ્તાહ દરમિયાન થયેલા ભારે વરસાદની વિગતો મેળવતા મંત્રીશ્રીએ જિલ્લામાં નોંધાયેલા માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ઈજા, સહાયની ચુકવણીની કાર્યવાહી, કાચા/પાકા મકાનોને થયેલું નુકશાન, ખેતીવાડી, વીજ કંપની, માર્ગ અને પુલો વિગેરે ક્ષેત્રે થયેલા નુકશાનીની વિગતો મેળવી, સંબંધિત વિભાગના અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
દરમિયાન જિલ્લામાં સિવિલ હોસ્પિટલ સહીત આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ, કર્મચારીઓ અને દવાના જથ્થાની વિગતો મેળવી, આપાતકાલીન સ્થિતિમાં સૌને પોતાની ફરજ ઉપર સતત હાજર રહેવાની તાકીદ કરી હતી. જિલ્લાની શૈક્ષણિક સસ્થાઓ, આંગણવાડી કેન્દ્રોની સાંપ્રત સ્થિતિ સહીત પરિવહન સેવાઓની વિગતો પણ મંત્રીશ્રીએ મેળવી, સ્થાનિક પરિસ્થિતિ અનુસાર જોખમ રહિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવાની સુચના આપી હતી. જિલ્લાના ડુબાણવાળા માર્ગો, પુલો, ચેકડેમ, કોઝ વે ઉપરથી પ્રજાજનોનું આવાગમન રોકવા માટે જરૂરી બંદોબસ્ત જાળવવાની પણ મંત્રીશ્રીએ સુચના આપી હતી. ચર્ચામાં ભાગ લેતા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે સ્થાનિક પ્રજાપ્રશ્નો, અને રજુઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ સાથે તેના નિકાલની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની સુચના આપી હતી.




