Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગર જિલ્લામાં ૮૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી ૨૮૫ જેટલા મતદાન મથકો ઉપર યોજાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સમગ્ર રાજ્યની સાથે ગાંધીનગર જિલ્લાની  ૮૫ સામાન્ય તથા ચાર સરપંચની પેટ મળી કુલ ૮૯  ગ્રામપંચાયતોની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે સવારે નીચું મતદાન રહ્યા બાદ બપોર પડતા જ ગામડાના દરેક માર્ગો મતદાન મથકો તરફ જતા હોય તેમ લાગતું હતું જેના કારણે બપોરે ગાંધીનગર જિલ્લાના દરેક મતદાન મથકો બહાર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. એટલુ જ નહીં, જિલ્લાના ૨૮૫ જેટલા મતદાન મથકો પૈકી મોટાભાગના મથકોમાં મતદાનની પ્રક્રિયા ૧૨ કલાકથી પણ વધુ ચાલી હતી. ગામડાના મતદારોએ ખરા અર્થમાં લોકસાહીના પર્વની ઉજવણી કરી હોય તેમ  આ ગ્રામપંચાયતની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. ગુજરાત રાજયની આઠ હજાર જેટલી ગ્રામ પંચાયતોની સાથે ગાંધીનગર જિલ્લાની ૮૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. ગાંધીનગર જિલ્લામાં ૮૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી ૨૮૫ જેટલા મતદાન મથકો ઉપર યોજવામાં આવી હતી. જિલ્લાના કુલ ૫૬ જેટલા કેન્દ્રો સંવેદનશીલ મથકો ચૂંટણી તંત્રએ પહેલેથી જ જાહેર કરી દીધા હતા જેના પગલે આ કેન્દ્રો ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો અન્ય મતદાન મથકો ઉપર પણ પોલીસ પહેરો મુકી દેવામાં આવ્યો હતો. પોલીસ અને ચૂંટણી તંત્રના સહીયારા પ્રયાસથી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયેલ ચૂંટણી કોઈ અનિચ્છનીય બનાવ નહીં બનતા શાંતિપૂર્ણ માહોલમાંજ પૂર્ણ થઈ હતી.

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી ચૂંટણીમાં મતદાન મથકો ઉપર અને ગામોમાં સવારે વરસતા વરસાદી ઝાપટાં વચ્ચે ચૂંટણીનો ગરમાવો જોવા મળતો હતો. સવારથી જ વડીલો અને યુવા વર્ગ મતદાન મથકો તરફ જતાં નજરે ચઢતા હતાં. તો બપોર બાદ ઘરનુ કામકાજ પતાવીને મહિલાઓએ પણ આ વખતે જંગી મતદાન કર્યું હતું. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક બાજુ સ્વયંભૂ મતદાન થતું હતું તો બીજી બાજુ ઉમેદવારો મતદાતાઓને આકર્ષવા માટે વિવિધ કિમીયા અપનાવતાં પણ જોવા મળ્યા હતા.

બપોર સુધી મતદાન નહીં કરનાર મતદાતાઓના ઘરે જઈને તેમજ ખાસ વાહન દોડાવીને મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જતાં હતા તો સ્થળાંતર કરી ગયેલા મતદાતાઓને પણ યાદ કરીને ઉમેદવારો તેમના ઘરે તેડાવી લઈને મતદાન કરવાની ફરજ પાડતાં હતા. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થતાં પોલીસ અને ચૂંટણી  પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.જિલ્લાની ૮૯ ગ્રામ પંચાયતો માટે આજે સવારથી જ મોટા પ્રમાણમાં મતદાન થતાં ચૂંટણીના પરિણામની દરેક અટકળો ખોટી પડશે તેવું નિષ્ણાંતો માની રહયા છે ત્યારે  આ ગ્રામ પંચાયતની ચૂટણીમાં જિલ્લામાં વિક્રમી મતદાન થયાનું અંદાજવામાં આવે છે. ત્યારે સાંજ છ વાગે મતદાન પુરુ થતાં  જિલ્લામાં સરેરાશ ૭૫ થી ૮૦ ટકા જેટલું મતદાન થયાનું ચૂંટણી તંત્રના સુત્રો જણાવી રહયા છે. નોંધવું રહેશે કે આંકડાઓ મેળવવામાં પણ તંત્રને મોડી રાત સુધી મથામણ કરવી પડી રહી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!