તબીબો ઉપર વધતા જતા હુમલા વચ્ચે કોલકત્તામાં મહિલા ડોક્ટર ઉપર બળાત્કાર અને હત્યાના કિસ્સાને લઇને ખાનગી અને સરકારી સર્વિસમાં ફરજ બજાવતા તબીબોમાં રોષની લાગણી ફેલાઇ રહી છે. ગાંધીનગર મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ હડતાલના માર્ગે ઉતર્યા છે ત્યારે આઇએમએ-ગાંધીનગરના સભ્યો પણ દેશવ્યાપી આંદોલનને સહકાર આપવા માટે આજે તમામ ક્લિનીક અને હોસ્પિટલની ઓપીડી બંધ રાખવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લામાં ૫૦૦થી વધુ ક્લિનિક અને હોસ્પિટલની ઓપીડી બંધ રહેવાને કારણે સિવિલમાં દર્દીઓનો ઘસારો વધ્યો હતો. કોલકત્તામાં મહિલા ડોક્ટર ઉપર બળાત્કાર બાદ હત્યાનો કિસ્સો સામે આવ્યો ત્યારથી સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘતો પડી રહ્યા છે.
ડોક્ટરો પોતાની સેફ્ટીને લઇને પણ ચિંતીત બન્યા છે સાથે સાથે આ કેસમાં પણ આરોપીઓને કડકમાં કડક સજા થાય અને મહિલા ડોક્ટરને ન્યાય મળે તે માટેની માંગ બુલંદ બની રહી છે. તેવી સ્થિતિમાં ગાંધીનગરના જુનિયર ડોક્ટર્સ દ્વારા હડતાલ સહિતના કાર્યક્રમ હાથ ધર્યા બાદ આ વિરોધમાં ગાંધીનગર આઇએમએ સહિતના તબીબી સંગઠનો પણ જોડાયા હતા. સમગ્ર ભારતમાં આજે આઇએમએ દ્વારા ઓપીડી બંધ રાખવાનું એલાન કર્યું હતું જેને ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ સારો પ્રતિસાદ સાંપડયો હતો. ગાંધીનગર શહેર અને જિલ્લાના ખાનગી ક્લિનીક અને હોસ્પિટલોમાં આજે ઓપીડી બંધ રહી હતી.
જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. દર્દીઓનો ધસારો ગાંધીનગર સિવિલમાં વધી ગયો હતો જેના કારણે આજે જીએમઇઆરએસના તબીબો આ આંદોલનમાં જોડાયા ન હતા અને સિવિલમાં ઓપીડી ચલાવી હતી.સિવિલમાં દર્દીઓની સંખ્યા આજે અન્ય શનિવાર કરતા વધુ જણાઇ હતી. તો બીજીબાજુ ખાનગી પ્રેક્ટીસ કરતા તથા આઇઆઇએમ ઉપરાંત જીએમઇઆરએસ ફેક્ટલી પણ જોડાયા હતા અને સિવિલ સંકુલમાં પોસ્ટર પ્રદર્શન, કાળી પટ્ટીધારણ, સુત્રોચ્ચારો, રેલી કાઢીને દેખાવો કર્યા હતા અને ડોક્ટરોને સેફ્ટી આપવાની માંગને વધુ અસરકારક કરી હતી. આ સાથે આઇએમએ ગાંધીનગર દ્વારા ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.



