અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ઝુંડાલ ગામની સીમમાં ચાલતા વિદેશી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હિલ્લોક હોટલ પાસે મોડી રાત્રે લક્ઝરી ગાડીઓમાં દારૂની હેરાફેરી કરી રહેલા શખ્સો પોલીસને જોઈ વાહનો અને મુદ્દામાલ પડતો મૂકી નાસી છૂટ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે અડાલજ પોલીસની ટીમ ગત ૧૦ માર્ચના રોજ વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ઝુંડાલ ગામની હિલ્લોક હોટલ પાસેની ખુલ્લી જગ્યામાં ત્રણ મોંઘીદાટ ગાડીઓ-સફેદ કલરની એમજી હેક્ટર, જાંબલી ઈનોવા અને ગોલ્ડ કલરની ટોયોટા કોરોલા- શંકાસ્પદ હાલતમાં ચાલુ જોવા મળી હતી. પોલીસને જોતા જ દારૂનું કટિંગ કરી રહેલા શખ્સોમાં ફાફડાટ ફેલાયો હતો. પોલીસ દરોડા દરમિયાન આરોપીઓ પોતાની ગાડીઓ અને એક એક્ટિવા નંબર જીજે/૨૭/એફબી/૪૯૦૮ મૂકીને અંધારાનો લાભ લઈ ભાગી ગયા હતા. પોલીસે તપાસ કરતા એક્ટિવા પરથી વિસ્કી’ની ૪૮ બોટલો ભરેલી પેટી મળી આવી હતી. પોલીસે રૂ.૫,૭૬૦/-ની કિંમતનો દારૂ અને રૂ.૫૦,૦૦૦/-ની કિંમતનું એક્ટિવા મળી કુલ રૂ.૫૫,૭૬૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.



