ગાંધીનગર નજીક અડાલજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર છેલ્લા ઘણા સમયથી લૂંટનાં બનાવ અટકી ગયા હતા. સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, અડાલજ પોલીસ લાઈનમાં રહેતા અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશકુમાર રામસિંગભાઈ રાઠોડ ડીસીપી ઝોન-૨ કારંજ અમદાવાદ ખાતે એટેચમેન્ટમાં નોકરી કરે છે.
સાંજે પોતાની ફરજ પરથી પરત ફરી રહ્યા હતા. રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે તેઓ અડાલજ મુખ્ય નર્મદા કેનાલ પર આશિયાના ફાર્મ નજીક પહોંચ્યા ત્યારે એક નંબર પ્લેટ વગરના એક્ટિવા પર સવાર બે અજાણ્યા ઇસમો તેમની પાછળ આવ્યા હતા અને તેમણે યે પોલીસ વાલા હૈ આજ ઉસકો ટાર્ગેટ કરતે હૈ તેમ કહી તેમના મોટરસાયકલને પાછળથી ટક્કર મારી નીચે પાડી દીધા હતા.
આ સમયે એક ઇસમે એક્ટિવામાંથી ચપ્પુ કાઢી કહ્યું કે તેરે પાસમે જો ભી હૈ હમે દે દે વરના ચાકુ ગુસાકે તુમ્હારા યહી પે મર્ડર કર દુંગા. જેથી તેમના ખિસ્સામાંથી એક મોબાઇલ અને હાથમાં પહેરેલી સ્માર્ટ વોચ બળજબરીથી લૂંટી લીધી હતી. બૂમો પાડતા લૂંટારા પોતાનું એક્ટિવા લઈ નર્મદા કેનાલના ખોરજ ગામ તરફના બ્રિજ પરથી નાસી છૂટયા હતા. જેથી હાલ તેમની ફરિયાદના આધારે અડાલજ પોલીસ દ્વારા લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
