જામનગરની ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં રહેતા તબીબી વિદ્યાર્થીઓમાં અગાઉ 4 બાદ આજે વધુ 3 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાતા કોરોના પોઝીટીવ આવેલ છે જ્યારે રાજકોટ સિવિલના રેડીયોલોજી વિભાગના 28 વર્ષના યુવાનને કોરોના પોઝીટીવ આવતા તેને હોસ્પિટલમાં એડમીટ કરીને સારવાર શરૂ કરાઈ છે. આ સાથે તબીબી ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં પણ કોરોના પ્રસરવા લાગ્યો છે. રાજકોટમાં નોંધાયેલા કેસોમાં રાજસ્થાનથી અંબિકા ટાઉનશીપમાં આવેલા 63 વર્ષીય વૃધ્ધા, રાજહંસ સોસાયટીમાં 30 વર્ષના યુવાન, ધરમપુરના પ્રવાસ બાદ અત્રે મારૂતિનગરમાં આવેલ 83 વર્ષના વૃધ્ધ, અમદાવાદથી રેસકોર્સ રોડ આવેલા 45 વર્ષીય પ્રૌઢ, ઉપરાંત ગણેશનગરમાં 35 વર્ષના અને સંતોષીનગરમાં 24 વર્ષના યુવાન, ભક્તિધર સોસાયટીમાં 80 વર્ષના વૃધ્ધ સંક્રમિત થયાનું જાહેર થયું છે.
આ ઉપરાંત સિવિલમાં રાત્રે બે એડમીટ કરાયા બાદ વધુ એકને દાખલ કરાયેલ છે જેને કોરોના પ્રોટોકોલ મૂજબ સાવચેતીપૂર્વક સારવાર શરૂ કરાઈ છે. આ ઉપરાંત સિવિલમાં કિસાનપરા વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલા કે જેને પાંચ વર્ષથી ડીપ્રેસનની દવા ચાલુ હતી તેને કોરોના પોઝીટીવ રિપોર્ટ આજે આવતા તેને ઓ.પી.ડી.સારવાર આપીને ઘરે આઈસોલેટ રહેવાની સલાહ અપાઈ છે. જામનગરમાં આજે ડેન્ટલ હોસ્ટેલમાં રહેતા 21 વર્ષના બે વિદ્યાર્થી અને 20 વર્ષની એક વિદ્યાર્થીની સંક્રમિત થતા આઈસોલેટ કરાયેલ છે. ઉપરાંત ભીમવાસમાં 40 વર્ષના, હિંમતનગરમાં 29 વર્ષના, જેલરોડ પ્રેમચંદ કોલોનીમાં 36 વર્ષના યુવાન અને દિગ્વિજય પ્લોટમાં 34 વર્ષની મહિલાને કોરોના પોઝીટીવ જાહેર થયેલ છે. જામનગરમાં કૂલ ૪૬ દર્દીઓમાં હાલ ૩૫ હોમઆઈસોલેટ થઈને સારવાર લઈ રહ્યા છે.
