ગાંધીનગરનાં દહેગામ તાલુકામાં આવેલા સાપા ગામમાં ખેતરમાં ગાયો અને ભેંસો ચરાવવા બાબતે બે જૂથો વચ્ચે લાકડીઓ ઉછડી હતી અને બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જો કે પોલીસે આ મામલે બંને પક્ષે ફરિયાદ લઈને છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, દહેગામના સાપા ગામમાં રહેતા મેપાભાઇ હીરાભાઈ ભરવાડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તે અને તેમની ભત્રીજી મિતલબેન ભરવાડ તેમની ગાયો લઈને ગામના બળદેવભાઈ હોથાભાઈ ઠાકોરના ખેતરમાં ચરાવવા માટે ગયા હતા.
ત્યારે આ ખેતરમાં તેમના ગામના વરસંગભાઈ ખોડાભાઈ રબારી તથા દશરથભાઈ રબારી તેમની ગાયો અને ભેંસો લઈને આવ્યા હતા અને કહ્યું હતું કે તમે કેમ અહીં ગાયો લઈ આવ્યા છો તેમ કહીને ગાળાગાળી કરવા લાગ્યા હતા અને બળદેવભાઈએ મને આ ખેતરમાં ગાયો ચરાવવાનું કહ્યું છે તેમ કહી ઉશ્કેરાઈ જઈને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન વરસંગભાઈનો પુત્ર મોન્ટુ પણ ત્યાં લાકડી લઈને આવી ગયો હતો અને તેણે પણ માર માર્યો હતો.
જેથી તમને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા તો બીજી બાજુ વરસંગભાઈ ખોડાભાઈ રબારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે,તે ખેતરમાં ભેંસો ચરાવતા હતા ત્યારે મેપાભાઇ હીરાભાઈ ભરવાડ, મેપાભાઇ કાળાભાઈ ભરવાડ અને બાબુભાઈ કાળાભાઈ ભરવાડ ત્યાં તેમની ગાયો લઈને આવ્યા હતા અને કહ્યું હતું કે બળદેવભાઈ આ ખેતર અમને ચરાવવા માટે આપ્યું છે. આ તારા બાપનું છે તેમ કહીને ગાળા ગાળી કરીને માર માર્યો હતો અને લાકડી વડે હુમલો કર્યો હતો. જે મારામારીમાં તેમને ઇજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા બંને પક્ષે કુલ છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
