ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહે તેમજ ખેત પેદાશોના વેચાણ દરમિયાન ખેડૂતોને અનુકૂળ માહોલ મળે તે માટે સુરત જિલ્લા પંચાયત દ્વારા ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષ દરમિયાન ૧૦ કેન્દ્રો માટે ૨૫ પોર્ટેબલ ટેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના હસ્તે પોર્ટેબલ ટેન્ટને ખેડુતોને અર્પણ કરાયા હતા.
ખેડૂતો માટે મજબૂત વેચાણ વ્યવસ્થા અને પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન: આ પોર્ટેબલ ટેન્ટ ખેડૂતો માટે એક મજબૂત વેચાણ વ્યવસ્થા પૂરી પાડે છે, જેથી તેઓ સરળતાથી પોતાનું ઉત્પાદન વેચી શકે અને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકશે. આ માટે સુરત જિલ્લાની વિવિધ જગ્યાઓ પર પોર્ટેબલ ટેન્ટ મુકવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતો પોતાની ખેતપેદાશોનું વેચાણ કરી શકશે. જેના થકી પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન મળશે અને ખેડૂતો વધુ સંખ્યામાં રાસાયણિક મુક્ત ખેતી તરફ પ્રેરિત થશે. ભવિષ્યમાં પણ આવા આયોજનથી પ્રાકૃતિક ખેતીના વિકાસને વધુ ગતિ મળશે અને હકારાત્મક પરિણામો મળશે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં ૪૧,૬૬૩ ખેડૂતો ૨૯,૮૯૭ એકર વિસ્તારમાં વિવિધ પ્રકારના શાકભાજી, ફળ, ધાન્ય, કઠોળ, શેરડી અને કંદમૂળ જેવા પાકોની પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ઉપજનું સીધું વેચાણ કરવા માટે જુદા જુદા તાલુકા કક્ષાએ વેચાણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં પણ ખેડૂતો માટે જુદી જુદી જગ્યાએ વેચાણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી શહેરીજનો રાસાયણિક મુક્ત ખાદ્ય પદાર્થો સરળતાથી મેળવી શકશે.
