સુરતમાં કરોડો રૂપિયાની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. ડાયમંડ સિટી સુરતમાં ભાઈએ બહેન સાથે 1.17 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે,સણીયા-હેમાદમાં પિતા સમાન મોટાભાઈની છેતરપિંડી કરવાની ઘટના સામે આવતા બહેનના પરીવાર સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બહેન અમેરિકાથી વતન પરત ફરતા ભાઈના કરતૂતનો ભાંડો ફૂટયો હતો,બહેને ભાઈ વિરુદ્ધ સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. વાસ્તવમાં શહેરમાં કરોડો રૂપિયાની ઠગાઈનો ભોગ બનનાર પીડિત બહેન છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રહે છે. જ્યારે તેનો મોટોભાઈ સણીયા-હેમાદમાં રહે છે. સુરતમાં ભાઈ અને બહેનનું જોઈન્ટ એકાઉન્ટ છે. જમીન વેચાણના ધંધામાં સાથે હોવાના કારણે ભાઈ-બહેને જોઈન્ટ એકાઉન્ટ રાખ્યું હતું. જમીનના સોદા અને લે-વેચમાં પૈસાની જરૂરિયાત ઉદભવે ત્યારે આ એકાઉન્ટમાંથી વ્યવહાર કરાતો હતો. જમીન વેચાણના રૂપિયા જોઈન્ટ બેન્ક ખાતામાં જમા અને ઉપાડ થતા હતો.
એ વાત સમાન્ય છે કે જોઈન્ટ બેક એકાઉન્ટ હોય તો સંબંધિત કાગળો પર બંનેની સહી જોઈએ. પરંતુ સણીયા-હેમાદમાં રહેતા ભાઈએ બહેનને જાણ કર્યા વગર ડુપ્લીકેટ પાનકાર્ડ બનાવી ખાતામાંથી કરોડો રુપિયા ઉપાડી લીધા હતા. બહેન અમેરિકાથી આવી બેન્કમાંથી રૂપિયા ઉપાડવા ગઈ ત્યારે ભાઈના કારસ્તાનની સમગ્ર હકીકત બહાર આવી. ભાઈએ બહેન સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે ભાઈ સામે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.



