પુણેનાં કોથરૂડ વિસ્તારમાં આવેલ વનાજ સોસાયટીમાં મીટર રૂમમાં લાગેલી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સંપૂર્ણ મીટર રૂમ બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનાને લીધે ભયના માર્યા ચાર યુવતીઓએ બીજા માળેથી નીચે છલાંગ લગાવી હતી. જોકે એક યુવતીને પગમાં ઇજા થઇ હતી જ્યારે અન્ય યુવતીઓને ફક્ત હળવી ઇજા થઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. બનાવ અંગે વધુ વિગતાનુસાર કોથરૂડની વનાજ પરિવાર સોસાયટીમાં ગુરૂવારે બપોરે મીટરરૂમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
મીટરરૂમમાં શોર્ટ સર્કીટને લીધે આગ લાગ્યા બાદ ઇલેક્ટ્રિકના વાયર અને અન્ય સામગ્રીઓ ભડ-ભડ બળવા માંડતા આગે વિકરાળ રૂપ પકડી લીધું હતું.
સમગ્ર ઇમારતમાં કાળાધુમાડા ફરી વળતા અને આગની ભીષણતાથી ડરી જઇને ઇમારતના બીજા માળેથી ચાર યુવતીઓએ ડરના માર્યા નીચે છલાંગ લગાવી દીધી હતી. જોકે આ ઘટનામાં ફક્ત એક જ યુવતીને પગમાં ઇજા થઇ હતી જ્યારે અન્ય ત્રણેય યુવતીઓને સાધારણ ઇજા જ પહોંચી હતી. આ સિવાય આગમાં બે નાના બાળકો અને એક વૃદ્ધને ઇજા પહોંચી હતી. ઇમારતના સ્થાનિકોએ ફાયર બ્રિગેડને મદદ કરતા ગણથરીની મિનિટોમાં આગ પર નિયંત્રણ મેળવી લેવાયું હતું. આ ઘટના દરમિયાન ઇમારતના અમૂક રહેવાસીઓ બાલકનીમાં આવી ગયા હતા જેમનો ફાયર બ્રિગેડની મદદથી છૂટકારો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી.
