Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્યમાં ગત 24 કલાકમાં 124 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદનાં આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે રાજ્યમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે,  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 124 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સવારે 6:00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 26.24 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી નવસારીમાં મનમૂકીને વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ ખાબકતાં નવસારી જિલ્લામાં બે કાંઠે નદીઓ વહેવા લાગી છે. નવસારીની અંબિકા અને કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ધોડાપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું છે. મેઘરાજા જાણે જળાભિષેક કર્યો હોય એવા દ્રશ્યો સર્જાયા છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદનાં કારણે પંચાયતના 68 રસ્તાઓ અવરોધાયા છે. તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે અને ટોલ ફ્રી નં.1077 તથા હેલ્પલાઇન નં.02637-233002/259401 જાહેર કરવામાં આવ્યો છે.

તો બીજી  ચેકડેમો તેમજ નદીમાં નવા નીરની આવક થતાં ધરતીપુત્રોમાં ખુશી લહેર જોવા મળી રહી છે. નવસારીના ચીખલી તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં આમધરા શાળામાં પાણી ભરાઇ ગયા છે. જેના લીધે શાળામાં ચાલી રહેલી પ્રવેશોત્સવની તૈયારી પર પાણી ફરી વળ્યું છે. ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને નદી કિનારે ન જવ અને સાચવેતી રાખવા સૂચના આપવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં આજે સવારથી વરસાદ સાથે પવન પણ ફૂંકાઇ રહ્યો છે અને વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. તારીખ 30 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને 01 જુલાઈના રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!