રાજ્યમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસુ ઘમરોળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડભોઇમાં 6 ઈંચ, સંખેડામાં 5 ઈંચ, ઉમરપાડામાં 3.5 ઈંચ, ઉમરગામમાં 3.5 ઇંચ, આહવામાં 3.5 ઈંચ, શિહોરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પાલનપુરમાં 2.8 ઈંચ, ખાંભામાં 2.6 ઈંચ, કામરેજમાં 2.4 ઈંચ, માંગરોળ 2.2 ઈંચ, વઘઇમાં 2.4 ઈંચ, તારાપુર અને વલ્લભીપુરમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
તારીખ 17મી જૂને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 18મી જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને 19 જૂને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે.
