સુરત જિલ્લાનાં કામરેજનાં નવી પારડી ગામની સીમમાંથી બાઈક પર ગાંજાનું વેચાણ કરવા નીકળેલા ઓરિસ્સાના બે ઈસમોની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, નવી પારડી ગામથી ધમાલ મસ્તી વોટરપાર્કવાળા રોડ પર બે ઇસમો બાઈક પર ગેરકાયદે રીતે ગાંજાનો જથ્થો લઈને છૂટકમાં વેચાણ કરવા જઈ રહ્યા હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. 
જેથી પોલીસે બાતમીવાળા જગ્યા પર જઈ વોચ ગોઠવી ત્યાંથી પસાર થતાં આ બંને ઈસમોને અટકાવી તપાસ કરતા તેમની પાસેથી ૨૦ હજાર કિંમતનો ૨.૦૦૬ કિ.ગ્રા. ગાંજાનો જથ્થો મળ્યો હતો. આમ, પોલીસે ૬૦ હજારની બે મોબાઈલ ફોન, ૧૭૬૦ રોકડા, ૪૫ હજાર કિંમતની બાઈક મળી કુલ ૧૨૭૩૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જગન્નાથ રમેશા અનંત ગોંડા (મૂળ રહે.બડપંકડવાડી, જિ.ગંજામ, ઓરિસ્સા) અને મૃત્યુંજય અન્ના સહદેવ ખટાઈ (મૂળ રહે.કોડાલાથાના, જિ.ગંજામ, ઓરિસ્સા, બંને હાલ રહે.કન્યાસી ગામ, તા.ઓલપાડ, જિ.સુરત)ની ધરપકડ કરી ગાંજાના સપ્લાયમાં સંડોવાયેલા માનસિંગ ઠાકુરને વોન્ટેડ જાહેર કર્યો હતો.



