ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ લવચાલી રેંજના રિઝર્વ ફોરેસ્ટ કં.નં.૨૭ના જંગલ વિસ્તારમાં આકસ્મિક દવ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેની જાણ લવચાલી રેંજના આર.એફ.ઓ.ને થતા વનકર્મીઓને એલર્ટ કર્યા હતા. તેમજ તેમના સહિત ફોરેસ્ટર, બીટગાર્ડ, દવગાર્ડ અને રોજમદારોની ટીમ આધુનિક બ્લોવર મશીન સાથે સ્થળ પર દોડી ગઈ હતી અને દેવને કાબૂમાં લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. 
બનાવ સંદર્ભે લવચાલી રેંજના આર.એફ.ઓ.એ જણાવ્યું હતું કે, લવચાલી રેંજના રિઝર્વ ફો.ક.નં. ૨૭માં આકસ્મિક દવ લાગ્યો હતો. આ દવ લાગ્યાની જાણ અમોને થતા અમો તુરંત જ સ્થળ પર પહોંચી ગયા હતા. આ દવના કારણે થોડાક વિસ્તારમાં ઘાસ અને પાંદડાં બળીને ખાખ થઈ ગયા હતાં. વનકર્મીઓની ટીમે સમયસૂચકતા વાપરી દવને કાબૂમાં લેતા જંગલમાં દવ પ્રસરતા અટકી ગઈ હતી અને વધુ નુકસાન થતા અટક્યું હતું. હાલમાં દવ કઈ રીતે લાગ્યો જેની તપાસ ચાલુ છે.




