તાપી જિલ્લાનાં જંગલોમાંથી કિંમતી વૃક્ષોનું નિકંદન કરી વર્ષોથી લાકડા ચોરી સામે ગોરખધંધો ચલાવતા લાકડાચોરી સામે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટનાં અધિકારીઓએ લાલ આંખ કરી છે, જેને લઇ લાકડા ચોરોનું ટેન્શન વધ્યું છે. લાકડા ચોરીના બે જુદાજુદા બનાવમાં વ્યારાનાં ખોળતળાવ અને ખુટાડીયા ગામેથી ખેરના લાકડા સાથે ટ્રક ઝડપી પાડવામાં આવી છે, આ સાથે જ લાકડાચોરીનાં ગુન્હામાં સંડોવયલો અને સુવ્યવસ્થિત નેટવર્ક ચલાવતો મજીદ મલેકને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. બાતમીના આધારે માંડવી દક્ષિણ રેન્જ અને વ્યારા રેન્જની સંયુક્ત ટીમે ૨૧મી એપ્રિલની રાત્રે ૨ વાગ્યે વ્યારા તાલુકાના ખોળતળાવ ગામે દરોડો પાડયો હતો. 
અહીં ખાનગી જમીનમાં મજીદ નુરુદ્દીન મલેક, વિરલ વસનજી ગામીત અને નદીમ હસન નામના આરોપીઓ એક ટ્રક નંબર એમએચ/૧૨/ડીજી/૯૮૮૮માં ખેરના લાકડા ભરી રહ્યા હતા. ટીમ જોઈને ત્રણેય આરોપીઓ ભાગવા લાગ્યા હતા. ભાગદોડ દરમિયાન મજીદ નુરુદ્દીન મલેકે તળાવમાં કૂદકો મારી દીધો હતો. પરંતુ વન વિભાગના કર્મચારીઓએ પીછો કરીને તળાવને ઘેરી લીધો અને તેને પકડી પાડયો હતો. અન્ય બે આરોપીઓ ભાગી ગયા હતા. ઘટના સ્થળેથી ખેરના લાકડા ભરેલી ટ્રક સાથે તેના ડ્રાઈવર અનિલકુમાર રામચન્દ્ર ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ ટ્રકમાંથી ખેરના લાકડા અંદાજીત ૪.૪૪૩ ઘ.મી. મુદ્દામાલ અને ટ્રક કબજે કરી છે, તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સને ૨૦૧૯-૨૦માં વાપી રેન્જમાં નોંધાયેલા ખેર તસ્કરીના ગુનામાં પણ સંડોવાયેલો હતો અને તે સંગઠિત ખેર તસ્કરીના ઓર્ગેનાઈઝડ ક્રાઈમમાં પણ સહઆરોપી છે.
આ ઉપરાંત વ્યારા વન વિભાગના સાદડવેલ રેન્જમાં વર્ષ ૨૦૧૭-૧૮માં નોંધાયેલા ખેર તસ્કરીના ગુનામાં પણ તેની સંડોવણી હતી. વાલોડ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ખેર તસ્કરીનો કેસ ચાલી રહ્યો છે.
એટલું જ નહીં, આરોપી મહારાષ્ટ્ર રાજ્યના ચીંચપાડા રેન્જમાં પણ ખેર તસ્કરીના ગુનામાં સંડોવાયેલો છે. આમ, મજીદ નુરુદ્દીન મલેક એક રીઢો ગુનેગાર છે અને વર્ષોથી સંગઠિત રીતે ખેરની તસ્કરીના ગુનાઓમાં સક્રિય હતો. ધરપકડ કરાયેલા આરોપી મજીદ નુરુદ્દીન મલેકને માંડવી કોર્ટમાં રજૂ પણ કરવામાં આવતા કોર્ટે તેને ૨૫મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જયારે, પકડાયેલી ટ્રક અને ખેરના લાકડાને આગળની કાર્યવાહી માટે થઈ વ્યારા રેન્જ ફોરેસ્ટ ઓફ્સિરને સોંપવામાં આવ્યા છે.
જયારે લાકડા ચોરીના બીજા બનાવમાં બાતમીના આધારે ૨૧મી ની રાત્રે, વ્યારા તાલુકાના ખુટાડીયા ગામે ક્વોરી પાસેથી એક ટ્રક નંબર જીજે/૧૭/એક્સએક્સ/૬૯૨૧માં ખેરના લાકડા ભરવામાં આવી રહ્યા હતા. જોકે લાકડા ચોરોએ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટનાં સ્તાફ્નાએ વન વિભાગના સ્ટાફને જોઇ જતા ત્યાંથી નાશી છુટવામાં સફળ રહ્યા હતા. જેમની શોધખોળ ચાલુ છે. તપાસ દરમિયાન ટ્રક માંથી ખેર નંગ-૩૩૪, ઘ.મી.૯.૩૩૪ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટએ આરોપી પાસેથી ખેરના લાકડા ભરેલી ટ્રક પણ જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત લાખો રૂપિયામાં થાય છે.




