તાપી જિલ્લામાં મોન્સૂન સક્રિય બનતાં હવે નદીઓ, નાળાઓ અને ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમના કેચમેંટ એરિયામાં ભારે વરસાદ ખાબકતાં ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. માહિતી પ્રમાણે તારીખ 30મી જુલાઈ નારોજ સાંજે 8 કલાકે ઉકાઈ ડેમમાં 26992 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે. નવા નીરના પ્રવાહના પગલે ડેમની જળસપાટી 329.13 ફૂટ પર પહોંચી છે. નોંધનીય છે કે, ઉકાઈ ડેમની સંપૂર્ણ ભરાવ ક્ષમતા 345 ફૂટ જેટલી છે. એટલે કે હાલ ડેમ તેની સંપૂર્ણ ક્ષમતાના તુલનાએ લગભગ 16 ફૂટ નીચા સ્તરે છે.
જોકે આ વર્ષે મોન્સૂન સરસ રીતે સક્રિય થઈ રહ્યો હોવાથી આગામી દિવસોમાં આ જળસપાટી વધુ વધી શકે તેવી શક્યતા છે. ડેમના વહીવટ તંત્ર દ્વારા મળતી માહિતી અનુસાર હાલ પાણીનો સંગ્રહ જાળવી રાખવા અને નીચેવાસના વિસ્તારમાં સંભવિત પૂરના જોખમને ધ્યાને રાખી 800 ક્યુસેક જેટલું પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવકને લઈ તંત્ર એલર્ટ મોડમાં છે. તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ડેમમાં નવા નીરની આવકને લઈને આગામી દિવસોમાં ડેમ સંપુર્ણ રીતે ભરાય શકે છે. જેને લઈને આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના લોકોને સિંચાઈ, ખેતી, પીવા તથા ઉધોગો માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે. જેને લઈને દક્ષિણ ગુજરાતના લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
