વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા હવે લાશો મળી રહી છે. જેમાં તરસાલી અને હરણી સમા લિંક રોડ પરથી બે મૃતદેહો મળ્યા હતા. વઘુ પાંચ મૃતદેહ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મળી આવ્યા છે. જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલા વરસાદના કારણે જળબંબાકાર સર્જાયો હતો. ત્યારબાદ વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરાને ઘમરોળ્યું હતું. જ્યાં અગાઉ ક્યારેય પાણી ભરાયા નહતા. તેવા વિસ્તારોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઇ ગયા હતા. પૂર અને વરસાદના પાણી ઉતર્યા પછી હવે મૃતદેહો મળી આવે છે.
તરસાલી વુડાના મકાનની પાછળથી તથા હરણી સમા લિંક રોડ પરથી બે મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ જૂની ફાસ્ટટ્રેક કોર્ટ અને હાલમાં ચેરિટી કમિશનરની કચેરી છે. ત્યાં જવાના રોડ પરથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. જે અંગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને મૃતદેહ પી.એમ. માટે મોકલી આપ્યો છે. રાવપુરા પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં ખિસકોલી સર્કલ પાસે નિલકંઠ નગરમાં રહેતા અનિલ રણછોડભાઇ પઢિયાર તથા મનોજ ભરતભાઇ બારિયા શાકભાજી અને દૂધ લેવા માટે નીકળ્યા હતા.
આજે તેઓના મૃતદેહ ખિસકોલી સર્કલ પાસેથી મળી આવ્યા હતા. જે અંગે અટલાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક મૃતદેહ ખાસવાડી સ્મશાનની પાછળથી તથા અકોટા નજીકથી મળી આવ્યા હતા. તેઓની ઓળખ કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર નજીકના વેમાલી ગામે આવેલા આતિથ્ય પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં ભરાયેલા પાણી ઉલેચવા માટે નીચે ઉતરેલા મેનેજર અને સિક્યુરિટી જવાનના મોત નિપજ્યા છે.
પ્રાથમિક દ્રષ્ટિએ બંનેના મોત કરંટ લાગવાથી થયા હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. મંજુસર પોલીસે બંનેના મૃતદેહનું પીએમ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદની તારાજીના કારણે 35ના મોત થઈ ચૂક્યા છે. હજી અનેક ગુમ છે. પોલીસ, એનડીઆરએફની ટીમ સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે. મુશળધાર વરસાદની વચ્ચે હવે ગુજરાત પર ‘અસના’ વાવાઝોડાનું કહેર પણ વર્તાઈ રહ્યું છે. અરબ સાગરમાં આવી રહેલ આ વાવાઝોડાની અસર પશ્ચિમ-દક્ષિણ વિસ્તારમાં જોવા મળવાની આગાહીના પગલે એલર્ટ જારી કરાયું છે.




