સુરતનાં પલસાણા તાલુકાનાં વરેલી ગામમાં ફરી એક વખત તલવાર ઊછળી હતી. ત્રણ માથાભારે શખ્સોએ અગાસી પર સૂતેલા ત્રણ મિત્રો પર તલવાર અને સળિયાથી હુમલો કરતાં લોહીલુહાણ કરી દીધા હતા. ઘટના અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળના માલદાના અને હાલ પલસાણા તાલુકાનાં વરેલી ગામે શાંતિનગર સોસાયટીમાં રહેતા રવિદરા કેદાર મંડળ તેના ગામનાં સુદર્શન મંડળ અને પ્રદીપ મંડળ સાથે છેલ્લા વીસ દિવસથી ભાડેથી રહે છે અને ત્રણેય અંત્રોલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કામ કરે છે.
ગત ૧૧ની રાત્રે ગરમી વધુ હોય તેઓ બિલ્ડીંગના ધાબા પર સુઈ ગયા હતા. ત્યારે રાત્રિના ૧ વાગ્યાની આસપાસ આજુબાજુમાં કોઈ હલનચલનનો અવાજ આવતા રવિન્દ્ર જાગી ગયો હતો અને કોઈ ઈસમ આંટા ફેરા મારતો હોય રવિન્દ્રએ તેને, ‘ઈતની રાત કો ક્યાં કર રહે હો’ તેમ જોરથી બોલતા તે ઈસમ રવિન્દ્ર તરફ આવતા તે નીચેના માળે રહેતો બિકુકુમાર ચમાર હતો. અને તે રવિન્દ્ર સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. સુદર્શન અને પ્રદીપ ઉઠી જતાં તેઓએ બિકુકુમારને નીચે મોકલી દીધો હતો. ત્યારબાદ થોડીવાર પછી બિકુકુમાર બીજા બે ઈસમો શુભમ પાંડે અને મોહિત કુશ્વાહને લઈને આવ્યો હતો.
બિકુકુમારે રવિન્દ્રના માથામાં અને બંને હાથના કાંડામાં અને ડાબા પગે તલવાર મારી દીધી હતી. આથી તે લોહી લુહાણ થઈ ગાઓ હતો. સુદર્શન અને પ્રદિપ વચ્ચે પડત બિકુકુમારે સુદર્શનને ડાબા પગની જાંઘ પર તલવાર મારી દીધી હતી જ્યારે પ્રદીપને પણ માથાનાં ભાગે અને જમણ હાથની આંગળી પર તલવારથી ઈજા પહોંચાડી હતી. શુભમે લોખંડનો સળિયો પ્રદીપના માથામાં મારી દીધો હતો અને મોહિત કુશ્વાહે ત્રણેયને લાકડાના ટકા માર્યા હતા. ઝઘડાનો અવાજ થતાં બિલ્ડીંગના અન્ય માણસો પણ દોડી આવતા ત્રણેય શખ્સો જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેયને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે રવિન્દ્ર મંડળની ફરિયાદના આધારે બિકુકુમાર ચમાર-શુભમ પાંડે અને મોહિત કુશ્વાહ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
