ગત કેટલાક મહિનાઓથી કોરોના વાયરસનાં કેસ દુનિયામાં ઘણા નિયંત્રણમાં જોવા મળી રહ્યા હતા પરંતુ હવે ફરી ચિંતા વધી છે. બ્લૂમબર્ગમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટથી જાણવા મળે છે કે સિંગાપોર-હોંગકોંગ સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. અહીંના સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને ચેતવણી આપી છે કે, સંક્રમણથી બચીને રહેવા માટે ફરી એકવાર જરૂરી ઉપાય શરુ કરી દે. જાહેર કરાયેલા આંકડાથી જાણી શકાય છે કે, એશિયન દેશોમાં ફરી કોરોનાના કેસ ચર્ચામાં છે.
સિંગાપોર-હોંગકોંગમાં ન માત્ર સંક્રમણમાં વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ અહીં હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.
આ દેશોમાં વધતા કોરોનાના જોખમોમાં કેટલાક સવાલો ઊભા કરી દેવાયા છે, શું કોરોનાનો ફરીથી કોઈ નવો વેરિયન્ટ સામે આવી ગયો છે? શું ફરી તમામ લોકોએ એલર્ટ થઈ જવું જોઈએ? આવો સમજીએ. લગભગ એક વર્ષમાં પહેલી વાર સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે ઔપચારિક કોવિડ રિપોર્ટ અપડેટ બહાર પાડ્યું છે, જેમાં માત્ર એક અઠવાડિયામાં કેસોમાં 28 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે, જેનાથી સંક્રમણની કુલ સંખ્યા 14,200 થઈ ગઈ છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં પણ લગભગ 30 ટકાનો વધારો થયો છે.
