ક્રુડ પામ ઓઈલ તથા રિફાઈન્ડ સન ફલાવર ઓઈલ પરની કસ્ટમ્સ ડયૂટી વધારી અનુક્રમે ૨૦ ટકા અને ૩૫ ટકા કરાતા દેશના ખેડૂતોને તેનો મોટો લાભ મળી રહેશે એમ સરકારી સુત્રો દાવો કરી રહ્યા છે. આ નિર્ણયને કારણે ઘર આંગણે આયાતી ખાદ્ય તેલોની કિંમતમાં વધારો થશે જેની અસર ઘર આંગણેના ઉત્પાદનોના ભાવ પર પણ જોવા મળશે. જોકે માલ ખપતને કારણે આગળ જતાં ખેડૂતો તેલીબિયાંનો વધુ પાક લેવા પ્રોત્સાહિત થશે એમ માનવામાં આવે છે.
કસ્ટમ ડયુટીમાં વધારાના પગલે અમદાવાદ તેલીબિયા બજારમાં વિવિધ ખાદ્યતેલોમાં તોતિંગ ભાવ વધારા નોંધાયો હતો. ડયૂટીમાં વધારો થવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. ડુંગળી પરના લઘુત્તમ નિકાસ ભાવ દૂર કરવાના અને એકસપોર્ટ ડયૂટી ઘટાડવાના નિર્ણયને કારણે પણ ખેડૂતોને લાભ થશે. નાણાં મંત્રાલયના નોટિફિકેશન પ્રમાણે ક્રુડ પામ, સોયાબીન તથા સનફલાવર ઓઈલ પરની કસ્ટમ્સ ડયૂટી શૂન્ય પરથી વધારી વીસ ટકા કરાઈ છે. જ્યારે રિફાઈન્ડ પામ, સોયાબીન તથા સનફલાવર ઓઈલ પરની કસ્ટમ્સ ડયૂટી ૧૨.૫૦ ટકા પરથી વધારી ૩૨.૫૦ ટકા કરાઈ છે.



