જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધી ગઇ છે. એવામાં ભારતે દેશની સુરક્ષા મુદ્દે ફ્રાંસ સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરી છે. બંને દેશો વચ્ચે ૨૬ રફાલ મરીન વિમાનોં માટે આશરે ૬૩,૦૦૦ કરોડ રૂપિયાની ડીલ થઇ ગઇ છે. આ ડીલ બાદ હવે ફ્રાંસ ભારતને ૨૬ રફાલ મરીન એરક્રાફ્ટ પુરા પાડશે. જેમાં ૨૨ સિંગલ સીટ અને ૪ ડબલ સીટ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ રફાલ મરીન એરક્રાફ્ટ આઇએનએસ વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે, જેને પગલે હવા, જમીન અને હવે જળ માર્ગે પણ ભારત પાકિસ્તાન પર હુમલા કરી શકશે.
રફાલ-એમ (મરીન) એરક્રાફ્ટ એક મલ્ટીરોલ યુદ્ધ વિમાન છે, જે રડાર ટાર્ગેટ અને ડિટેક્શન તેમજ ટ્રેકિંગ માટે વધુ સક્ષમ માનવામાં આવે છે. આ એરક્રાફ્ટમાં સ્પેક્ટ્રા ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ છે, જે એરક્રાફ્ટને વધુ મજબુત બનાવે છે. આ વિશેષ એરક્રાફ્ટમાં હવામાં વચ્ચે જ ઇંધણ ભરી શકવાની પણ ક્ષમતા છે. જેને પગલે એરક્રાફ્ટની રેંજ વધી જશે. રફાલ-એમ સામેલ થવાથી ભારતીય સમુદ્રી ક્ષેત્રે નજર રાખવી, દુશ્મન દેશોની જાસૂસીને ઓળખવી, હુમલો અને અન્ય અનેક મિશનમાં ઉપયોગી સાબિત થશે. આ એરક્રાફ્ટમાં ગાઇડેડ બોમ્બ-મિસાઇલો પણ લગાવી શકાય તેવી સુવિધા છે.
