ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં અચાનક શુક્રવારે વહેલી સવારે આંધી-તોફાન સાથે મૂશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે દિલ્હીમાં ૪, ઉત્તરપ્રદેશમાં ૪ અને છત્તીસગઢમાં બે સહિત કુલ ૧૦ લોકોનાં મોત નીપજ્યાં હતા. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી, જેથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. કેટલીક જગ્યાએ વીજપૂરવઠો ખોરવાયો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આંધી-તોફાન, કરાં સાથે વરસાદની આગાહી કરી છે.
દિલ્હીમાં શુક્રવારે વહેલી સવારે માત્ર ત્રણ કલાકમાં ૭૮ મીમી વરસાદ પડયો હતો, જે મે મહિનામાં ૨૦૦૯થી ૨૦૨૫ વચ્ચે બીજો સૌથી વધુ વરસાદ પડયો હતો. આ પહેલાં ૨૦૨૧માં ૧૧૯ મીમી વરસાદ નોંધાયો હતો. મૂશળધાર વરસાદના કારણે દિલ્હીના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ઉત્તરપ્રદેશમાં ગોરખપુર, બસ્તી સહિત અનેક વિસ્તારોમાં આંધી-તોફાન, ગાજવીજ, કરાં સાથે વરસાદ પડયો હતો, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું. ગોરખપુર અને બસ્તીમાં આકાશીય વીજળીની ઝપેટમાં આવતા ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમને ૨૪ કલાકની અંદર સહાયતા રકમ આપવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.
આ સિવાય વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરીને તેમને પણ તાત્કાલિક વળતર પૂરું પાડવા મુખ્યમંત્રી યોગીએ નિર્દેશો આપ્યા હતા. ઉત્તરપ્રદેશના મથુરા, ફરિદાબાદ, નોઈડા, ગાઝિયાબાદ સહિતના અનેક શહેરોમાં કાર અડધી ડૂબી ગઈ હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. જળબંબાકારના કારણે અનેક શહેરોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. સવારે લોકોને ઓફિસ જવામાં તકલીફ પડી હતી. ઠેરઠેર પાણી ભરાઈ ગયા હોવાથી ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ હતી.
છત્તીસગઢમાં પણ તોફાન સાથે વરસાદ ખાબકતા સામાન્ય જનજીવ ખોરવાઈ ગયું હતું. રાયપુરમાં પ્રતિ કલાક ૭૦ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાયો હતો. બેમેતરામાં વીજળી પડવાથી બે લોકોનાં મોત નીપજ્યાં હતા. મૂશળધાર વરસાદના કારણે અનેક જગ્યાએ વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો. જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્લોક થઈ ગયો હતો. સેરી ચંબામાં ભૂસ્ખલનના કારણે પથ્થરો અને કીચડ હાઈવે પર આવી જતાં અનેક વાહનો ફસાઈ ગયા હતા. ચીનાબ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા અને આજુબાજુના વિસ્તારોમાં કરાં સાથે વરસાદ પડયો હતો.
દરમિયાન હવામન વિભાગે મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, ત્રિપુરા જેવારાજ્યોમાં આગામી કેટલાક દિવસોમાં કરાં સાથે વરસાદની આગાહી કરી છે. રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ધૂળભરી આંધીની સંભાવના છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ગુરુવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે.
