ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિની સોગાદ આપી રહી છે. ખેડૂતોના જીવન બદલનારી આ ખેત પદ્ધતિએ રાજ્યમાં વેગ પકડ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંભેટી ગામના જતીનભાઈ બાળપણથી જ ગૌપ્રેમી છે. ગૌપ્રેમથી પ્રેરાઈને યુવાનવયે જ ગૌપાલન શરૂ કર્યું હતું. એવામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના સારા પરિણામો જોવા મળતા ગૌ માતા પ્રત્યેના પ્રેમ અને ગૌસેવાની ભાવના જતીનભાઈને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ દોરી ગયા. રાસાયણિક ખાતર, દવાનો ત્યાગ કરી વર્ષ ૨૦૧૬માં તેમણે પોતાની ૨૨ વીઘા જમીનમાં ગાય આધારિત ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી શરૂ કરી. ૨૦૧૬ માં તેમણે સંકલ્પ કર્યો કે ૨૦૧૬ના પોતાના જન્મદિવસથી પ્રત્યેક જન્મદિને એક ગાય ખરીદીને પાળીશ.
એટલે જ તેઓ દર વર્ષે જન્મદિને એક ગીર ગાય ખરીદે છે, પરિણામે આજે તેમની ગૌશાળામાં ૧૩ વાછરડા-વાછરડી સહિત ૩૩ ગાયો મળી કુલ ૪૩ ગૌવંશ છે. જેમના છાણમૂત્રમાંથી જીવામૃત બનાવી પોતાના ખેતરમાં જ વપરાશ કરે છે. પરિણામે ખેતી ખર્ચ, રાસાયણિક ખાતર, દવાના ખર્ચમાં ઘટાડો થતા મોટી આર્થિક બચત થઈ રહી છે. પ્રગતિશીલ ખેડૂત જતીનભાઈ શેરડી, આંબા, જમરૂખ, ચીકુ, રામફળ, સીતાફળ, જાંબુ, સરગવો, શેતુર, પનાસની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. નવા જમાનાની નવી ખેતી કરીશું તો પરંપરાગત ખેતી કરતા ઓછો ખર્ચ થશે અને સરવાળે નફો પણ વધશે એવી માન્યતા ધરાવતા જતીનભાઈ ગૌસેવાના શોખને તો પૂર્ણ કરી જ રહ્યા છે, સાથોસાથ પ્રાકૃતિક કૃષિથી જમીન સંરક્ષણમાં યોગદાન આપી રહ્યા છે.
તેમજ ઉત્તમ ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનો, ફળફળાદિ, શાકભાજી મેળવી રહ્યા છે. જતીનભાઈએ જણાવ્યું કે, રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે ખેતીમાં ખર્ચ વધતો હતો, તેમ છતાં ઉત્પાદન વધુ થશે તો આવક વધુ મળશે એવી લાલચમાં વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો હતો. પરંતુ આત્મા પ્રોજેકટ અંતર્ગત મેં ૭ દિવસની સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી. ત્યારબાદ ઘરે દેશી ગાય લાવી તેના છાણ અને ગૌમૂત્રમાંથી જીવામૃત, નિમાસ્ત્ર, બીજામૃત બનાવી ખેતીમાં ઉપયોગ ચાલુ કર્યો હતો. ગાયની સારી જાતનું સંવર્ધન કરવું તે મારો વધુ એક ઉદ્દેશ છે. હાલ હું ૧૮ વિઘા જમીનમાં ગાય આધારિત ખેતી કરે છે અને ૧ એકર જેટલી જગ્યામાં ગૌશાળા ચલાવે છે.
મારી ગૌશાળામાં બધી જ ગીરગાય છે. ઘણા ખેડૂતો પાસેથી નફાકારક ઝીરો બજેટની ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી શીખવા આવે છે. તેમને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરૂ છું. તેઓ કહે છે કે, પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજીનો સ્વાદ જ અલગ હોય છે, કે કોઈ વ્યક્તિ આવા ફળો અને શાકભાજીનો એકવાર સ્વાદ માણે છે, એ પછી તેને રાસાયણિક ખાતર, દવાથી પકવેલા અનાજ, ફળો, શાકભાજી પસંદ નથી આવતી. મારા ખેતરમાં અગાઉ લાંબા સમયથી ચાલતી કેમિકલ આધારિત ખેતી છોડવી પહેલા તો મુશ્કેલ લાગી રહી હતી. નવી ટેકનોલોજી અપનાવવામાં મોટું જોખમ હતું. આવક ઘટવાની પણ આશંકા હતી, પરંતુ કૃષિ વિભાગના અધિકારીઓએ તેઓને માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપ્યું. ગૌપાલન સાથે પ્રાકૃતિક ખેતી કરવામાં અનેરો સંતોષ મળી રહ્યો હોવાનું તેઓ જણાવે છે.
ગૌપાલન અને ગાય આધારિત ખેતી અઘરી અને ખાસ વળતર આપનારી નથી એ માન્યતા ભ્રામક છે. હું ગાયોના દૂધ- ઘીની આવક મેળવું છે અને ખેતીમાં ખાતર અને જંતુનાશક તરીકે ગૌમૂત્ર અને ગોબર વાપરીને શુદ્ધ-પ્રાકૃતિક ખેતી કરું છું એમ જણાવી જતીનભાઈએ ઉમેર્યું કે, મને ગર્વ છે કે અમે ઉત્પાદિત કરતા શાકભાજી, અનાજ, ફળો શુદ્ધ, કેમિકલરહિત અને સાત્વિક છે. અંભેટીના ગ્રામજનો મારી પાસેથી શાકભાજી, ફળો, કૃષિ ઉત્પાદનો ખરીદવા આવે છે. તેઓ ગૌમૂત્ર અને ગોબરમાંથી હું ઘન અને પ્રવાહી જીવામૃત બનાવે છે, જે અસરકારક ખાતરનું કામ કરે છે. ગૌમૂત્રમાં આંકડો, લીમડો,ધતુરો જેવી કડવી વનસ્પતિઓ ભેળવી પ્રવાહી જીવામૃત બનાવે છે.
જે અસરકારક જીવાત નિયંત્રણમાં ઉપયોગી છે. તેઓ આ અંગે વધુમાં કહે છે કે, ગાય આધારિત ખેતી એ ખર્ચ વગરની ખેતી છે. મારી ખેતીમાંથી ઘાસ ચારો મળે છે જે ગૌપાલનમાં ઉપયોગી છે તો ગાયોનું ગોબર અને મૂત્ર, ખાતર અને જંતુનાશક દવાઓનો ખર્ચ ઘટાડે છે. ‘જે પાળે ગાય એની ગરીબી જાય’ કહેવત સમાજજીવનમાં પ્રચલિત છે. ગાય સમૃદ્ધિનું પ્રતિક છે, ત્યારે ગૌસેવાને જીવનમંત્ર બનાવનાર જતીનભાઈ દ્રઢપણે માને છે કે ગાય ગુણોનો ભંડાર છે એના ઘી-દૂધથી આરોગ્ય સચવાય છે અને ગૌમૂત્ર અને ગોબરથી જમીન સચવાય છે- ફળદ્રુપ બને છે. ગાય આધારિત ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની છે. ઉત્પાદન વધતાની સાથે નાણાકીય બચત થઈ રહી છે અને આવકમાં પણ વધારો થયો છે.




