ઝારખંડ પોલીસને સીબીઆઈ અને ઈન્ટરપોલની મદદથી મોટી સફળતા મળી છે. અમન સાહૂ ગેંગ સાથે જોડાયેલા કુખ્યાત આરોપી સુનિલ કુમાર ઉર્ફે મયંક સિંહને અઝરબેઝાનથી પ્રત્યાર્પિત કરીને ભારત લાવવામાં આવ્યો છે. તેની પર બળજબરીથી વસૂલી અને ધમકીના ઘણા મોટા કેસ દાખલ છે. ઝારખંડ પોલીસના અનુરોધ પર સીબીઆઈએ ગયા વર્ષે 10 ઓક્ટોબરે ઈન્ટરપોલ દ્વારા તેની વિરૂદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી.
સીબીઆઈના એક અધિકારી મુજબ ગેંગસ્ટર સુનિલ કુમારને બાકુથી મુંબઈ લાવવામાં આવ્યો છે. તેને ભારત લાવવા માટે ઝારખંડ પોલીસની 3 સભ્યની ટીમ 19 ઓગસ્ટે બાકુ જવા રવાના થઈ હતી અને 23 ઓગસ્ટે આરોપીને લઈને દેશમાં પરત ફરી છે. એનસીબી-બાકુના સહયોગથી ઈન્ટરપોલ રેડ નોટિસ હેઠળ વોન્ટેડ સુનિલ કુમારને કસ્ટડીમાં લેવામાં આવ્યો, ઝારખંડ પોલીસ લાંબા સમયથી તપાસમાં જોડાયેલી હતી.
ગેંગસ્ટર સુનિલ કુમાર પર ઈન્ટરપોલ દ્વારા 196 સભ્ય દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ કડીમાં જાન્યુઆરી 2025માં ભારતે અઝરબેઝાન સરકારને પ્રત્યાર્પણ માટે ઔપચારિક અનુરોધ પણ કર્યો હતો. ત્યારબાદ રાજકીય સ્તર પર વાતચીત થઈ અને ઓપરેશનને અંઝામ આપ્યો. તપાસમાં સામે આવ્યું કે સુનિલ કુમાર વેપારીઓ, ટ્રાન્સપોર્ટર અને અન્ય લોકોને વોટસએપ પર ધમકીભર્યા મેસેજ મોકલતો હતો. આ પ્રકારે તે લોકો પાસે ખંડણી વસુલ કરતો હતો. તેની વિરૂદ્ધ ઝારખંડ સહિત ઘણા રાજ્યમાં ખંડણી અને વસૂલીના કેસ દાખલ છે. પોલીસથી બચવા માટે મયંક સિંહ નામની ખોટી ઓળખનો ઉપયોગ કરતો હતો. સીબીઆઈની ઈન્ટરનેશનલ પોલીસ કો-ઓપરેશન યૂનિટે ઈન્ટરપોલ અને એનસીબી-બાકુની મદદથી સતત તેનું લોકેશન ટ્રેક કર્યુ હતું. ત્યારબાદ ઝારખંડ પોલીસની ટીમ બાકુ મોકલવામાં આવી.
ગેંગસ્ટર અમન સાહુ ગેંગની કમર તુટી ગઈ : અમન સાહુ ગેંગ ઝારખંડ અને આસપાસના રાજ્યોમાં સંગઠિત ગુનાઓ અને વસૂલી માટે બદનામ છે. સુનિલ કુમાર આ નેટવર્કમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હવે તેની વિરૂદ્ધ દાખલ કેસની તપાસ તેજ કરવામાં આવશે અને ગેંગની કડીઓ મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચમાં પોલીસે ગેંગસ્ટર અમન સાહૂને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો.




