સુરતના પલસાણા તાલુકાનાં જોળવા ગામે આવેલ ઓમ રેસિડેન્સીની પાંચમા માળેથી રમતા રમતા નીચે પડી જતાં એક ત્રણ વર્ષની બાળકીનું કરૂણ મોત થયું હતું. જેને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. 
મળતી માહિતી મુજબ, જોળવા ગામની ઓમ રેસિડેન્સીના ફ્લેટ નંબર ૫૦૭માં રહેતા રાહુલ રાજકુમાર જાયસવાલ ખાનગી મિલમાં નોકરી કરે છે. તેઓ મૂળ મધ્યપ્રદેશનાં સીધી જિલ્લાનાં કુબેરી ગામના રહેવાસી છે. તેમની ત્રણ વર્ષીય પુત્રી માહી સોમવારે સાંજે સાત વાગ્યાની આસપાસ પોતાના જ ઘરના પાંચમા માળે રમી રહી હતી. રમતા રમતા અચાનક તે નીચે પટકાઈ હતી. નીચે પટકાતા જ માહીના માથાના અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. ત્રણ વર્ષની બાળકીનું અકસ્માત મોત થતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.



