રાજયના ખેડૂતો હવે નવી અને આધુનિક ટેકનોલોજીથી ખેતી કરતા થયા છે. આજના ફાસ્ટયુગમાં કૃષિ સંસાધનો વગર ખેતી કરવી ઘણી મુશ્કેલ છે. કૃષિ સાધનોના ઉપયોગથી ખેતી સરળ થઈ છે. કેન્દ્ર તથા રાજય સરકાર પણ અનેકવિધ યોજનાઓ થકી ખેડૂતોને સાધનો ખરીદવા માટે સહાય આપી રહી છે. ભારત સરકારની સબ મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન (SMAM) યોજના હેઠળ રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને ફાર્મ મશીનરી બેંક માટે રૂ.૧૦ લાખ સુધીની સ્થાપવા માટે ખર્ચના ૪૦% અથવા રૂ.૪ લાખની સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાના લાભાર્થી એવા કામરેજ તાલુકાના દેલાડ ગામના ખેડૂત અજીતસિંહ ગંભીરસિંહ સોડસિયાએ રૂા.૧૦ લાખ થી વધુના સાધનો ખરીદવા માટે ટ્રેકટર સાથે રોટાવેટર, સબ સોઈલર, કલ્ટીવેટર જેવા સાધનો ખરીદવા માટે ઓનલાઈન અરજી કરી હતી. તેમના ઝડપભેર સહાય મળતા ખેતીમાં સંસાધનોનો સુવ્યવસ્થિત ઉપયોગ કરીને વધુ આવક રળી રહ્યા છે.
અજીતસિંહે કહ્યું કે, હું મારી જમીન ઉપરાત મારા ગામ તથા અન્ય ગામની જમીનોમાં ટ્રેકટર સાથે જુદા જુદા સાધનો ભાડે લઈને ખેડ કરીને પૂરક આવક મેળવું છે. અગાઉ મારે ટ્રેકટર સહિતના સાધનો ખરીદવા હતા, પરંતુ કૃષિ સાધનોની બજારમાં કિંમત ઘણી વધારે હોવાને કારણે ખરીદી શકતો ન હતો. જેથી હું ભાડા પર આ સાધનો લાવીને ખેડ કરતો હતો. એકવાર ગ્રામ સેવક પાસેથી વિગતો જાણવા મળી ૧૦ લાખથી વધુના સાધનો ખરીદવા માટે સરકાર તરફથી સહાય મળે છે. જેથી તત્કાલ ઓનલાઈન અરજી કરતા વર્ષ ૨૦૨૩-૨૪માં સરકારી સહાય મંજૂર થઈ. જેમાં મેં રૂા.૧૦ લાખથી વધુની કિંમતના ટ્રેકટર, રોટાવેટર, સબ સોઈલર, કલ્ટીવેટરની ખરીદી કરી.
ખરીદીમાં સરકાર દ્વારા રૂા.૪ લાખની સબસિડી પણ મળી છે. સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા કહ્યું કે, આ સબસિડી સહિતની સહાયના કારણે મારી મુશ્કેલી દૂર થઈ છે, હવે ટ્રેકટર સહિતના કૃષિ સાધનો માલિકીના હોવાના કારણે મારી આવકમાં ખાસ્સો વધારો થયો છે. સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતીષ ગામીતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની સ્મામ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને ટ્રેકટર સહિતના સાધનો વસાવવા માટે રૂ. ૪ લાખ સુધીની સહાય મળે છે. જેમાં લાભાર્થીએ યોજનાની ગાઇડલાઇન મુજબ રૂા.૧૦ લાખથી વધુના ટ્રેકટરથી ચાલતા અન્ય ત્રણ સાધનોની ખરીદી કરવાની હોય છે. આ માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ જ્યારે અરજીઓ માટે ખુલ્લુ મુકવામાં આવે ત્યારે તે સમયે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં જિલ્લાના ૪૨ ખેડૂતોને સાધન સહાયની ખરીદી પર રૂા.૧.૬૪ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.




