વલસાડનાં કપરાડા તાલુકાનાં વારણા ગામે કેતકી ગામની ૧૮ વર્ષીય અને નિલોસી ગામની ૨૨ વર્ષીય યુવતીએ એકસાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લેવાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં કપરાડાના એક ગામમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાએ તેણીના ગામ અને નજીકમાં આવેલા એક ગામ વચ્ચેની સીમમાં આવેલા ધમોડાના ઝાડની એક ડાળખી ઉપર ઓઢણી વડે ફાંસો ખાઈ લીધો હોવાની ઘટના બનતા અનેક રહસ્યો સર્જાયા છે.
અંતિમ પગલું ભરનાર સગીરા કાપરાડાની એક શાળામાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી. ઘટનાની જાણ નાનાપોંઢા પોલીસને કરાઈ છે.
પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે તેવું પી.એસ.આઈ.એ જણાવ્યું હતું. સ્થાનિક રહીશોએ આપેલી માહિતી મુજબ કપરાડાના સીમાડે આવેલા ગામમાં રહેતી અને સગીરા તથા નજીકમાં આવેલા ગામમાં રહેતા એક યુવાન વચ્ચે પ્રેમસંબંધ હતા. સગીરા અને તેના પ્રેમી યુવકના પરિજનો વચ્ચે બંનેની સગાઈ નક્કી કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા. દરમિયાન સગીરા જે લગ્ન પ્રસંગમાં ગઈ હતી. તે લગ્ન પ્રસંગમાં સગીરાનો પ્રેમી પણ આવ્યો હતો. જયાં બંને વચ્ચે કોઈક બાબતે તકરાર થઈ હતી. ત્યારબાદ યુવક અને સગીરા ઝપાઝપી થઈ હતી અને જે બાદ સગીરાનો પ્રેમી તેની સગીર પ્રેમિકાને તેની બાઈક પર બેસાડીને લઈ જતા લગ્ન પ્રસંગમાં હાજર સ્થાનિક રહીશોએ નજરે નિહાળ્યો હતો. ત્યારબાદ સગીરાએ અંતિમ પગલું ભરી લીધું હતુ.
