ડાંગ જિલ્લામાં કસોમી વરસાદે ભર ઉનાળામાં કહેર મચાવ્યો છે છેલ્લા અગિયાર દિવસથી કમોસમી વરસાદનો કહેર યથાવત ચાલુ છે. અગિયારમાં દિવસે પણ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સાપુતારા, સુબિર, વથઈ અને પૂર્વપટ્ટીના અંતરિયાળ ગામો તેમજ સરહદીય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને જોરદાર પવન સાથે વીજળીના કડાકા ભડાકા શરૂ થયા બાદ વરસાદ તૂટી પડયો હતો.
આ અણધાર્યા વરસાદે વાતાવરણમાં ઠંડક તો પ્રસરાવી, પરંતુ ખેડૂતો માટે ચિંતાનું કારણ બની ગયો છે. છેલ્લા અગિયાર દિવસથી વરસી રહેલા આ કમોસમી વરસાદે ખેતીના પાકને મોટું નુકસાન પહોંચાડયું છે.
આ ઉપરાંત, કઠોળ અને શાકભાજીના પાકને પણ આ વરસાદથી ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાક સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો પોતાની પાક બચાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. પરંતુ સતત વરસી રહેલા વરસાદ સામે તેઓ લાચાર દેખાઈ રહ્યા છે. વરસાદને કારણે જિલ્લાનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ વધી છે. આહવા શહેર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હોવાથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે વીજળી ગુલ થવાથી અંધારપટ છવાઈ જાય છે.
