કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ વરસાદી આફતે અનેક મુશ્કેલીઓ ઉભી કરી છે. અહીં યાત્રાળુઓના માર્ગ પર કાટમાળ પડતા એક શ્રદ્ધાળુનું મોત અને બે ઈજાગ્રસ્ત થયા છે. રસ્તા પર અનેક ઠેકાણા પાણી ભરાતા રસ્તો બંધ કરવાની નોબત ઉભી થઈ છે. ઘટના બાદ શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સોનપ્રયાગથી કેદારનાથ ધામ સુધીની પગપાળા યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવાઈ છે. આ કારણે અહીં અનેક શ્રદ્ધાળુઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે કેદારનાથ ધામમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાનું એલર્ટ જાહેર કર્યું છે અને અહીં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ભૂસ્ખલન પ્રભાવીત જંગલચટ્ટીના રસ્તા પર ઘણું નુકસાન થયું છે. સલામતીના ભાગરૂપે અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી કેદારનાથ ધામની પગપાળા યાત્રા સોનપ્રયાગથી સ્થગિત કરવામાં આવી છે.
પોલીસની ટીમ જંગલચટ્ટી વિસ્તારમાં ફસાયેલા શ્રદ્ધાળુઓની મદદ કરી રહી છે અને તેમને સુરક્ષીત સ્થળે ખસેડી રહી છે. પોલીસ અધિક્ષક અક્ષય કોંડેએ કેદારનાધામ આવી રહેલા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, તેઓ જ્યાં છે, ત્યાં સુરક્ષિત રહે અને નજીકના સ્થળો અથવા હોટલમાં રહે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ સ્થિત ગૌરીકુંડ જંગલમાં આજે એક હેલિકોપ્ટર ક્રેશ થતા સાત લોકોના મોત થયા છે. આમાં બે વર્ષનું બાળક પણ સામેલ છે. NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે રાહત અને બચાવની કામગીરી કરી રહી છે. ત્યારબાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. યુકાડા (ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ) અને DGCAએ સંયુક્ત રૂપે આ નિર્ણય લીધો છે.
તપાસ પૂરી થયા બાદ સુરક્ષાના માપદંડોની સમીક્ષા સુધી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત રહેશે. બીજીતરફ રાજ્યમાં હેલિકોપ્ટરની વધી રહેલી દુર્ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટર સંચાલન મુદ્દે આકરા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રદેશમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે કડક SOP તૈયાર કરવામાં આવશે. જેમાં હેલિકોપ્ટરની ટેક્નિકલ સ્થિતિની સંપૂર્ણ તપાસ અને ઉડાન પહેલાં હવામાનની સચોટ માહિતી મેળવવી અનિવાર્ય છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને નિર્દેશ આપ્યો છે કે, ટેક્નિકલ એક્સપર્ટની એક કમિટી રચવામાં આવે. જે હેલિકોપ્ટરના સંચાલન માટે તમામ ટેક્નિકલ અને સુરક્ષાના માપદંડોની સમીક્ષા કરી SOP તૈયાર કરશે. જે ખાતરી આપશે કે, હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન સંપૂર્ણપણે સુરક્ષિત, પારદર્શક અને નિર્ધારિત માપદંડો અનુસાર છે.
