આરટીઓની એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી સાયબર ફ્રોડ આચરતી જામતારા ગેંગના ગેગ લીડર સહિત ૩ આરોપીને સાયબર સેલે ઝારખંડથી ફિલ્મીઢબે પકડી પાડયા હતા. ભેજાબાજોએ મોબાઈલમાંથી તમામ ડેટા ડિલીટ કરી દેતા રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસની મુશ્કેલી વધી છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ડુમસ ખાતે રહેતા એક વૃદ્ધને ૨૭ ઓગસ્ટના રોજ અજાણ્યા નંબર પરથી આરટીઓ ઈ-ચલણની એપ્લિકેશન ફાઈલ આવી હતી. વૃદ્ધે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં નામ, જન્મ તારીખ અને બેન્કના ક્રેડિટ કાર્ડની વિગતો નાંખી હતી. પેમેન્ટ પે ઓપ્શન પર ક્લિક કરતા જ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી. ગઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેક કરી લીધો હતો. એપ્લિકેશન બંધ થતા જ કાર્ડમાંથી ૫૦ હજારના ૪ ટ્રાન્ઝેક્શન અને ૪૫ હજારનું એક ટ્રાન્ઝેક્શન મળી કુલ ૨.૪૫ લાખ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા. જે અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી.
દરમિયાન સાયબર સેલે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ઠગાઈના નાણાં કોલકોતાના યુવકોના બેંક ખાતામાં જમા થયા હોવાનો ખુલાસો થયો હતો. જેથી સાયબર સેલે પશ્ચિમ બંગાળમાં ધામા નાંખી લઇક નફીઝ એમડી નફીઝ અને મો.અસલમ ઉર્ફે ગુરુ મકબૂલ ઉર્ફે હારૂન અન્સારીને પકડી પાડયા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી લઇકના ખાતામાં ફ્રોડના ૨.૪૫ લાખ પૈકી ૧ લાખ જમા થયા હતા. આ એકાઉન્ટ સદ્દામ નામનો આરોપી ઓપરેટ કરતો હતો. સદ્દામે લઈકના ખાતામાં ૨૫ હજાર કમિશનના ટ્રાન્સફર કર્યા હતા. વધુમાં લઇક અન્ય આરોપી અસલમ ઉર્ફે ગુરુ અને સદ્દામ સાથે એટીએમમાંથી નાણાં ઉપાડવા ગયો હતો. સદ્દામે ૧ લાખમાંથી ૨૦ હજાર કમિશનના લઈ બાકીના ૮૦ હજાર અસલમને આપ્યા હતા. તેણે કમિશનના ૫ હજાર લઈ બાકીના ૭૫ હજાર સીડીએમ મારફતે જામતારાના ગેંગ લીડર સરફરાજના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
સાયબર સેલે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી હતી. ઝારખંડમાં ધામા નાંખી સાયબર સેલે ગેંગ લીડર મો.સરફરાઝ યાસીન અન્સારી (રહે. દેળદર, ઝારખંડ) અને રિયાઝ અન્સારી મો.કલીમ મીયા (રહે. જામતારા, ઝારખંડ), શહઝાદ અન્સારી નૂર મોહમંદ (રહે. જામતારા, ઝારખંડ)ને પકડી પાડયા હતા. ત્રણેય ભેજાબાજોને પોલીસે ફિલ્મીઢબે પકડી પાડ્યા હતા. આરોપીઓએ મોબાઈલ ડેટા ડિલીટ કરી દીધા હોય પોલીસે ડેટા રિકવર કરવાની કવાયત હાથ ધરી છે.



