સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી ૩૭ વર્ષીય પરિણીતાએ નોકરી માટે કોલ કરવાનું ભારે પડયું હતું. આ યુવક પરિણીતાનો પીછો કરતો ઘર સુધી આવી ગયો હતો. પોતાની સાથે ફરવા નહિ આવે તો મર્ડર કરી નાંખવાની ધમકી આપતો હોઈ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સુરત શહેરના ગોડાદરામાં રહેતી ૩૭ વર્ષીય પરિણીતા ખાનગી નોકરી કરે છે. એક વર્ષ પહેલાં તેને નોકરીની જરૂરિયાત ઊભી થતાં તેણે પૂર્વ પાડોશીને વાત કરતાં તેણે શુભમ રાજપૂત નામના યુવકનો નંબર આપ્યો હતો. તે ઓનલાઈનનું કામ આપશે તેવું જણાવ્યું હતું. પરિણીતાએ કોલ કરતાં શુભમે તે વખતે પોતાની પાસે કોઈ કામ નહિ હોવાનું જણાવી વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. જોકે થોડાક દિવસ બાદ આ યુવકનો ફોન આવવો શરૂ થયો હતો અને મળવા માટે દબાણ કરવા લાગ્યો હતો. પીછો છોડાવવા ચાર મહિના પહેલાં આ પરિણીતાએ તેને નિલગીરી સર્કલ પાસે બોલાવ્યો હતો. અહીં આ પરિણીતાને અડપલાં કરવાની સાથે મારી સાથે ફરવા આવવું પડશે અને હું કહું તેમ કરવું પડશે તેમ કરી ધમકાવવા લાગ્યો હતો. પરિણીતાની પાછળ રિક્ષામાં ઘર સુધી આવી ગયો હતો. પાંચમી સપ્ટેમ્બરની સવારે ફોન કરી ફરવા આવવા દબાણ કર્યું હતું. નહિ આવે તો ઘરે આવી મર્ડર કરી નાંખવાની ધમકી આપતાં મામલો છેવટે લિંબાયત પોલીસ મથકે પહોંચ્યો હતો.




