રાજ્યમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ એ.સી.બી.એ લાલ આંખ કરી છે.આણંદ જિલ્લાના ખંભાત સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પંકજકુમાર પરષોત્તમભાઇ પટેલને રૂપિયા ૩૦,૦૦૦/-ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી એ.સી.બી.એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ, ફરિયાદી અને તેમના ભાગીદારે ખંભાત શહેરમાં જમીન ખરીદી પ્લોટિંગ પાડ્યું હતું. આ જમીન અશાંતધારા હેઠળ આવતી હોવાથી, પ્લોટ વેચાણ માટે જરૂરી મંજૂરી મેળવવા પ્રાંત કચેરી, ખંભાત ખાતે અરજી કરવામાં આવી હતી. નિયમ મુજબ, આ અરજી પર પોલીસ અભિપ્રાય જરૂરી હોવાથી તે તપાસ માટે ખંભાત સીટી પોલીસ સ્ટેશન મોકલવામાં આવી હતી.આ અરજીની તપાસ પીએસઆઈ પંકજકુમાર પટેલ કરી રહ્યા હતા. ફરિયાદી જ્યારે આ બાબતે તેમને મળ્યા, ત્યારે પીએસઆઈએ બે અરજીઓના હકારાત્મક અભિપ્રાય આપવાના બદલામાં અરજી દીઠ રૂપિયા ૧૫,૦૦૦/- લેખે કુલ રૂપિયા ૩૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે આ અંગે આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે આજે તા.૦૧/૦૩/૨૦૨૬ના રોજ એ.સી.બી. દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ખંભાતના લાલ દરવાજા પોલીસ ચોકી પાસે જાહેર જગ્યા પર જ્યારે આરોપી પીએસઆઈ પંકજકુમાર પટેલે ફરિયાદી સાથે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૩૦,૦૦૦/- સ્વીકાર્યા, ત્યારે જ એ.સી.બી.ની ટીમે તેમને ત્રાટકીને રંગેહાથ પકડી લીધા હતા.




