વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં અત્યંત ગંભીર કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે રાજ્ય સરકારે ACBને તપાસ સોંપી હતી. 9 જુલાઈના રોજ બનેલી આ દુર્ઘટના બાદ સરકાર દ્વારા વિશેષ રીતે તપાસની સૂચના આપવામાં આવી હતી.
ACB એ આ કેસની તપાસ માટે એક ખાસ SITની રચના કરી હતી. જેમાં ડીઆઇજી મકરંદ ચૌહાણ, એસપી પરેશ ભેસાણિયા અને 4 પીઆઈ સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમ દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
ACBની ટીમે આર એન્ડ બીના પાંચ અધિકારીઓના નિવાસસ્થાનો અને અન્ય મિલકતો પર દરોડા પાડ્યા હતા. આ અધિકારીઓમાં કાર્યપાલક ઇજનેર એન.એમ. નાયકવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ અને આર.ટી. પટેલ, મદદનીશ ઇજનેર જે.વી. શાહ, તેમજ તાજેતરમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર કાર્યપાલક ઇજનેર કે.બી. થોરાટનો સમાવેશ થાય છે. ACBની તપાસ મુખ્યત્વે સત્તા અને નાણાંના દુરુપયોગ તેમજ અધિકારીઓ દ્વારા ખરીદવામાં આવેલી અપ્રમાણસર મિલકતો પર કેન્દ્રિત હતી. આ ઉપરાંત ચોમાસા પહેલા બ્રિજની તપાસ કરવામાં બેદરકારી અને ભારે વાહનોની અવરજવર બંધ કરવાની કાર્યવાહી ન કરવા જેવી ગંભીર બેદરકારીઓની પણ તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દર્શાવે છે કે સરકાર આ મામલે કોઈ પણ પ્રકારની ઢીલાશ દાખવવા માંગતી નથી અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.




