જન્માષ્ટમીના મહાપર્વની ઉજવણી પહેલા જ દ્વારકામાં ભક્તિનો માહોલ જામ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, જે જન્માષ્ટમીની આઠમની રાત્રિએ થનાર જન્મોત્સવની ઉત્સવપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે સાતમના દિવસે જ 1.69 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
તમને જણાવી દઈએ કે, મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી, અને ભક્તો જય દ્વારકાધીશના નાદ સાથે કૃષ્ણમય બન્યા હતા. કોરોનાકાળ બાદ આ વર્ષે દ્વારકામાં ભક્તોનો પ્રવાહ બમણા જોરથી ઉમટ્યો છે. સમગ્ર દ્વારકા નગરીને રોશની અને ધજા-પતાકાથી શણગારવામાં આવી છે. મંદિરમાં વિશેષ આરતી અને ભજન-કિર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે ભક્તો દૂર-દૂરથી આવ્યા છે.સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે પૂરતા પ્રયાસો કરાયા છે. શ્રદ્ધાળુઓ માને છે કે, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાથી તેમના જીવનના તમામ દુઃખ દૂર થાય છે. આ પવિત્ર તહેવાર પર દ્વારકાધીશની પૂજા-અર્ચના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દ્વારકામાં દરેક ખૂણે ભક્તિનો માહોલ છવાયેલો છે, અને સમગ્ર વાતાવરણ શ્રી કૃષ્ણની ધૂનથી ગુંજી રહ્યું છે.




