સુરતમાં વરાછા સાધના સોસાયટીના નાકા પાસે કારમાંથી સટ્ટો લઇ રહેલા બુકીની ધરપકડમાં પોલીસને ૪૧.૪૯ લાખ રૂપિયા રોકડા હાથ લાગ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી રોકડ અને કાર સહિત ૪૯.૮૯ લાખ રૂપિયાની મતા કબજે કરી હતી.પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે વરાછા પોલીસની ટીમે સોમવારે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં સાધના સોસાયટીના નાકે રેઇડ કરી હતી. અહીં ઊભેલી કારમાં બેસેલો શખ્સ સટ્ટો રમાડી રહ્યાની બાતમી કોન્સ્ટેબલ ગિરીશ નારસંગને મળી હોઈ ઇન્સ્પેક્ટર બી.પી. ગોજીયાની સૂચનાથી પોલીસે વોચ ગોઠવી હતી.

પોલીસની રેઇડ દરમિયાન કારમાં સવાર ૨૭ વર્ષીય પ્રતીક જિતેન્દ્ર રોય (રહે. સાંસ્કૃત રેસિડેન્સી, સરથાણા જકાતનાકા, મૂળ રહે. વાલમનગર,ગારીયાધાર, ભાવનગર)ને દબોચી લીધો હતો. તેની પાસેથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેમાંથી એક મોબાઈલમાંથી સટ્ટો રમાડવાની આઇ.ડી. મળી આવી હતી. પોલીસે તેને પકડયો ત્યારે ચોંકી હતી જ્યારે કારમાં પડેલી બેગ ચેક કરી હતી. બેગ ચેક કરતાં પોલીસની આંખોમાં ચમક આવી હતી. રોકડા ૪૧.૪૯ લાખ રૂપિયા જોઈ પોલીસે તેની સખ્તાઈથી પૂછપરછ કરતાં આ રકમ સટ્ટાની હોવાની કબૂલાત કરી હતી. તે સરથાણા જકાતનાકાના વિવેક વિરડીયા સાથે મળી ઓનલાઈન સટ્ટો રમવાની અને આઈ.ડી. વેચવામાં સંડોવાયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ યુવક વિરુદ્ધ જુગારધારાની કલમ અંતર્ગત ગુનો નોંધી આ નાણાં કેટલા સમયમાં આવ્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગસિંહ વધુ તપાસ કરી રહ્યા છે.



