સુરતમાં કાપડ દલાલ અને પોલીસના બાતમીદાર મનાતા આલોક અગ્રવાલની ક્રૂરતાપૂર્વક ૩૦ કરતાં પણ વધુ ઘા મારી ક્રૂર હત્યા કરવાના ચકચારી બનાવમાં ક્રાઈમ બ્રાંચે વધુ બે આરોપીની ધરપકડ કરી હતી.મળતી વિગતો પ્રમાણે શહેરના ડુંભાલમાં ફાયર સ્ટેશન પાસે વાટીકા ટાઉનશિપમાં રહેતા આલોક ઝીંડારામ અગ્રવાલ (મૂળ ઝુનઝુનુ, રાજસ્થાન)ની ગત અઠવાડિયે શનિવારની મધરાત્રે ત્રણ વાગ્યે ઘાતકી હત્યા કરી દેવાઈ હતી. હત્યારાઓએ ૩૦ ઘા મારવા સાથે આલોકની આંગળીઓ સુધ્ધાં કાપી નાંખી હતી.
લિંબાયત પોલીસે જઘન્ય ઘટનાને અંજામ આપનાર ભગવાન મંગલુ સ્વાંઈ (ઉં.વ. ૨૫) દીપક સરજૂપ્રસાદ સિંહ (ઉ.વ. ૩૫) અને અબરાર લસ્સી ઉર્ફે માનસિક મહોમંદ ઈબ્રાહીમ શેખને પકડી પાડયા હતા. આકા અશફાકને તમાચો મારી અપમાનિત કરતાં તેણે જ બદલો લેવા અબ્રાર, દીપક અને ભગવાનને મોકલ્યા હતા. દરમિયાન ક્રાઈમ બ્રાંચે આ હત્યાકાંડમાં રમજાન ઉર્ફે પાડા સરદાર શેખ (ઉ.વ. ૨૪, રહે. બાપુનગર, બોરડી ઝૂંપડપટ્ટી, રાંદેર- મૂળ બુલડાણા) અને અફસર ઉર્ફે બોકા હમીદ શેખ (ઉ.વ. ૨૩, રહે. સલીમનગર, ભીંડી બજાર, ઉન- મૂળ યુપી)ની ધરપકડ કરી હતી. બંને આરોપીઓએ આલોકના હત્યારાઓને અલગ-અલગ વાહનોમાં ભગાડવાની ભૂમિકા ભજવી હતી. બંને આરોપી રીઢા ગુનેગારો છે.



