નિઝરના દેવાળામાં દેવાળામાં ઘરના આંગણામાં રસ્તા ઉપર રમતી અઢી વર્ષીય માસુમ બાળકીને સ્કૂલવાને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલી બાળાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે નિઝરના દેવાળા ગામના આદિવાસી ફળિયામાં રહેતા પ્રભુભાઈ અંકલભાઇ ઉર્ફે ઉખાભાઈ ઠાકરેની બે દીકરીઓ છે, જે પૈકી મોટી દીકરી તન્વી (ઉં.વ.૫) અને નાની દીકરી વૈષ્ણવી (ઉં.વ. ૨.૫) છે. પરિવારની લાડકવાયી દીકરી વૈષ્ણવી ઠાકરે પોતાના ઘરના આંગણામાંથી પસાર થતા રસ્તા ઉપર તા.૩૦ જુલાઇના રોજ રમતી હતી તે દરમિયાન રસ્તા ઉપરથી પસાર થતી સ્કૂલવાન ઇકો ગાડીએ રસ્તા ઉપર રમતી બાળાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બાળકીને શરીરે ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત કરનાર સ્કૂલવાન ચાલક સામે નિઝર પોલીસ મથકે મૃતક બાળકીના પરિવારજનોએ ફરિયાદ કરતા નિઝર પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.




