કતારગામમાં ગોટાલાવાડી ટેનામેન્ટની ડી-બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફ્લોર પર સફાઈ કામ કરતી વેળાએ લિફ્ટની બાજુમાં લટકતા ગેલ્વેનાઈઝ આર્યનના તારને ખેંચતા તારમાંથી પસાર થતા ઇલેક્ટ્રીક કરંટ લાગતા આધેડનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશ બાંદાના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલ કુબેરનગર વિભાગ-૨માં ૫૩ વર્ષીય કુલદીપભાઈ મગલિયા વર્મા પરિવાર સાથે રહેતા હતા અને કતારગામ ખાતે નવા બંધાતા ટેનામેન્ટમાં જ સાફ-સફાઈનું કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગઈકાલે સાંજે કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટની ડી-બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફ્લોર પર કુલદીપભાઈ સફાઈ કામ કરતા હતા. તે વખતે લિફ્ટની બાજુમાં લટકતા ગેલ્વેનાઈઝ આર્યનના તારને કુલદીપભાઈએ ખેંચતા તારમાંથી પસાર થતા ઇલેક્ટ્રીક કરંટ લાગતા જ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વધુ આગળની તપાસ કતારગામ પોલીસ કરી રહી છે.



