સુરત શહેરમાં આવેલા ડીંડોલી કરાડવા તળાવ તરફ જતા કેનાલ રોડ પરથી રોંગ સાઈડમાં બાઈક લઈને જતો યુવક ડમ્પરને ઓવર ટેક કરતી વખતે તેની બાઈક ડમ્પર સાથે ટક્કર લાગતા તે રોડ નીચે પટકાયો હતો. જેથી ડમ્પરના પાછળના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ડીંડોલી વિસ્તારમાં આવેલા જગદંબા નગરમાં ૧૯ વર્ષીય પુષ્પક રમેશભાઈ કામડી પરિવાર સાથે રહેતો હતો. પુષ્પક એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. ગઈકાલે પુષ્પક બાઈક લઈ કામ અર્થે જવા નીકળ્યો હતો. દરમિયાન મધુરમ સર્કલથી કરાડવા તળાવ તરફ જતા કેનાલ રોડ પરથી રોંગ સાઈડમાં બાઈક લઈ જતો હતો. ત્યારે સેફ્રોન બંગલોઝ પાસે ડમ્પરને ઓવર ટેક કરતી વખતે પુષ્પકની બાઈકની ડમ્પર સાથે ટક્કર લાગતા તે રોડ નીચે પટકાયો હતો. જેથી ડમ્પરના પાછળના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે.



