સુરત વન વિભાગે ઉધના નવસારી બજાર રોડની વિશાલ પેટ શોપમાંથી ચાર એલેક્ઝાન્ડ્રિન પોપટ જપ્ત કર્યા છે. આ સાથે જ દુકાનમાલિકને ૨૫,૦૦૦/- રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એલેક્ઝાન્ડ્રિન પોપટ પ્રતિબંધિત કેટેગરીમાં આવે છે. તેથી તેને પાળી શકાય નહીં. આ પોપટને ખરીદ-વેચાણ કરવું પણ પ્રતિબંધિત છે.
નિયમનું ઉલ્લંઘન કરનારને ૧ લાખ રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. વન વિભાગના ડુમસ રેંજ ફોરેસ્ટ અધિકારી કે.કે.દેસાઈ, વનપાલ ડુમસ આઈ.એ.મહેસાણિયા સહિતનાઓને મળેલી બાતમીના આધારે નવસારી બજાર રોડ સ્થિત વિશાલ પેટ શોપમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન દુકાનનો સંચાલક દાંતણીયા વિશાલ જશવંતભાઈ પાસેથી એક નર, ત્રણ માદા એલેક્ઝાન્ડ્રિન પ્રજાતિના પોપટ મળી આવ્યા હતા. આ પોપટ તેણે વેચાણ અર્થે પાંજરામાં પૂરીને રાખ્યા હતા. દરમિયાન વન વિભાગે પ્રતિબંધિત કેટેગરીમાં આવતું હોવાથી દુકાનદારને ૨૫,૦૦૦/- રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સાથે જ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિડ્યૂઅલ બેની કેટેગરીમાં આવતું હોવાથી આ પોપટને રાખનારને એક લાખ રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષ સુધીની સજાનો જોગવાઈ છે.



