સુરત શહેરના કતારગામમાં ફ્લેટ વેચાણના બહાને ડોક્ટર સાથે ૨.૫૦ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પેમેન્ટ પડાવી સાટાખત કરી દેવાયા બાદ ફ્લેટ પર ૧.૫૫ કરોડનો બોજો નીકળ્યો હતો. સિંગણપોર પોલીસે ૯ સામે ગુનો નોંધી ૩ની ધરપકડ કરી હતી.
મળતી વિગતો પ્રમાણે સુરત શહેરના કતારગામમાં ગજેરા સ્કૂલ પાસે સાંત્વન હાઈટ્સમાં રહેતા રાહુલ રમેશભાઈ કળથીયા (ઉ.વ.૩૪) કતારગામમાં અનુભવ હોસ્પિટલમાં તબીબી પ્રેક્ટિસ કરે છે. સિંગણપોર પોલીસમાં તેમણે જિતેન્દ્ર ભીમજી ઘોડાદરા, રેખા જીતુ ઘોડાદરા, રાહુલ જીતુ ઘોડાદરા, તૃષ્ણા રાહુલ ઘડાદરા (ચારેય રહે. શાંતિનગર સોસાયટી, કતારગામ), રાજેશ બાલુ માંદલીયા, મયૂર ગગજી જીવાણી, લાભુ છગન લાઠિયા, અરજણ પરસોત્તમ ભીંગરાડીયા, નીરવ એન. પટેલ (પાંચેય રહે. સાંત્વન હાઈટ્સ, હાથી મંદિર તાપી નદીના પાળા પાસે, કતારગામ) સામે ફરિયાદ આપી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ડો. રાહુલને કતારગામ વિસ્તારમાં ફ્લેટ ખરીદવો હતો. કતારગામમાં બિનખેતીની જમીનમાં સાંત્વન હાઈટ્સના નામથી હાઈરાઈઝમાં ૧૧મા માળે બે ફ્લેટનો સોદો થયો હતો. ૨.૫૦ કરોડ રૂપિયામાં સોદો થયા બાદ પેમેન્ટ પણ ચૂકવી દેવાયું હતું. જેનો સાટાખત કરી અપાયા બાદ દસ્તાવેજ કરી આપવામાં આનાકાની કરાઈ હતી. ત્યારબાદ આ ફ્લેટ પર રૂ ૧.૫૫ કરોડની લોન કહો કે બોજો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે લોનના હપ્તા ભરવામાં પણ આડોડાઈ કરાતી હતી. આમ, ફ્લેટના અવેજની રકમ મેળવી લઇ દસ્તાવેજ કરી આપવામાં પણ હાથ ઊંચા કરી દેવાયા હતા. આખરે સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો. સિંગણપોર પોલીસે ૯ જણા સામે ગુનો નોંધી જિતેન્દ્ર ઘોડાદરા, તેના પુત્ર રાહુલ અને નીરવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



