અમદાવાદ શહેરના SG હાઇવે પર હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. 14 નવેમ્બરની મોડી રાત્રે રાજપથ રંગોલી રોડ પાસે પૂરઝડપે આવતા એક કારચાલકે બાઇક પર જઈ રહેલા બે હોમગાર્ડ જવાનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને જવાન બાઇક સાથે રોડ પર પટકાયા હતા, જેમાં એક જવાનને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત સર્જીને કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ 14 નવેમ્બરની મોડી રાત્રે હોમગાર્ડ જવાન મંજૂરહુસેન અને તનવીર શેખ બાઇક પર સરખેજ પોલીસ સ્ટેશનની ફરજ પર જઈ રહ્યા હતા. એવા સમયે રાજપથ રંગોલી રોડ પર SP રિંગ રોડ તરફથી પૂરઝડપે આવી રહેલી કારે પાછળથી તેમની બાઇકને ટક્કર મારી હતી.અકસ્માત બાદ નજીકના પોઇન્ટ પર હાજર પોલીસકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને જવાનોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનામાં જવાન તનવીર શેખને ગંભીર ઇજા પહોંચી છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર કારચાલક નશાની હાલતમાં હતો. આ જ કારચાલકે આ ઘટના પહેલા રસ્તામાં અન્ય ત્રણ શ્રમિકોને પણ અડફેટે લીધા હોવાનો આરોપ છે, અને ત્યારબાદ બીજો અકસ્માત સર્જીને તે ભાગી ગયો હતો.ઉલ્લેખનીય છે કે, સરખેજ પોલીસે આ મામલે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને કારચાલક અકસ્માત સમયે નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.



