મોડાસામાં આવેલી સરકારી ઈજનેર કોલેજમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મેસેજ કરીને લંપટ પ્રોફેસરે બિભસ્ત માંગણી કરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજને આચાર્યને પણ પત્ર લખીને કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોલેજના આચાર્ય દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ લંપટ પ્રોફેસર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે સરકારી ઈજનેર કોલેજના લંપટ પ્રોફેસરની ધરપકડ કરી લેવામાં આવી છે. કોલેજના પ્રોફેસરે ત્રણ વિદ્યાર્થિનીઓને વૉટ્સએપમાં મેસેજ કરીને બિભત્સ માંગણીઓ કરી હતી. જેના કારણે વિવાદ વકર્યો હતો. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ આ લંપટ પ્રોફેસર સામે ઉગ્ર દેખાવો કરીને ‘વી વોન્ટ જસ્ટીસ’ના સૂત્રોચ્ચાર સાથે પ્રોફેસર સામે કાર્યવાહી કરીને ન્યાયની માંગ કરી હતી.વિદ્યાર્થીઓના ભારે રોષને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ સમગ્ર મામલે પ્રોફેસર સામે પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ કરી લીધી હતી. અત્રે નોંધનીય છે કે, વિદ્યાર્થીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, જો આરોપી સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો વધારે ઉગ્ર વિરોધ કરવામાં આવશે.




