મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મામલે સુરેન્દ્રનગરમાં વિવાદ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમના કારણે શિક્ષણને અસર થતી હોવાના કારણે શિક્ષકો મેદાન પર ઉતર્યા છે. એટલું જ નહીં પરંતુ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને થતા અન્યાયના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આ આવેદન પત્ર અંગે મહાસંઘે જણાવ્યું છે કે રાજ્યમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકોને ગુલામી પ્રથા જેવું વર્તન, કામકાજમાં બિનજરૂરી દબાણ અને બિનજરૂરી નોટિસનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, બીએલઓની કામગીરી માટે સુરેન્દ્રનગર જિલ્લાના 1500થી પણ વધારે શિક્ષકો જોડાયેલ છે.
આ કામગીરી 90 ટકાથી વધારે શિક્ષકોને જ હુકમ આપવામાં આવે છે, જે બાબત પણ શિક્ષકોમાં ભારે રોષ પેદા કરી રહી છે. આગામી સમયમાં અન્ય 12 કેડરમાંથી પણ BLO ની કામગીરીની વહેચણી કરવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કામગીરીના બિનજરૂરી દબાણને કારણે રાજ્યમાં બીએલઓની ધરપકડ થવાના બનાવો પણ નોંધાયા છે, જે અત્યંત ગંભીર બાબત છે.શિક્ષકોને થતી આ તમામ કનડગત અને અન્યાયને ધ્યાનમાં રાખીને, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા રાજ્ય ટીમની યોજના મુજબ તારીખ 15/11/2025 (શનિવાર)ના બપોરે 3:30 કલાકે કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લાના તમામ સંવર્ગના કાર્યકર્તાઓ તેમજ બીએલઓ તરીકે ફરજ બજાવતા તમામ શિક્ષકોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે મહાસંઘે આહ્વાન કર્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ-સુરેન્દ્રનગર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે, ચૂંટણી અધિકારી દ્વારા શિક્ષકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને બીએલઓની કામગીરીમાં થતા અન્યાય અને દબાણને દૂર કરવામાં આવશે.



