ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના પરિસરમાં કેટલીક મહિલાઓ દ્વારા પૂજાવિધિ કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં વિવાદ અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને પગલે લઘુમતી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્રને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે.
વાયરલ થયેલા વીડિયોમાં કેટલીક મહિલાઓ મસ્જિદના પરિસરમાં ફૂલો, ફળો અને પ્રસાદ ચઢાવી ધાર્મિક વિધિ કરતી જોવા મળી રહી છે. જોકે, આ વીડિયો ક્યારનો છે અને તેની સત્યતા કેટલી છે, તેની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે એવા દાવા કરવામાં આવ્યા કે પૂજાવિધિ દરમિયાન પોલીસ કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા.મુસ્લિમ સમુદાયના અગ્રણીઓએ આ ઘટના સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ મસ્જિદ હાલમાં ભારતીય પુરાતત્વ વિભાગ ના સંરક્ષણ હેઠળ છે. વર્ષોથી આ સ્થળના ધાર્મિક સ્વરૂપને લઈને વિવિધ સંગઠનો દ્વારા અલગ-અલગ દાવાઓ કરવામાં આવતા રહ્યા છે, જે આ ઘટનાથી ફરી સપાટી પર આવ્યા છે. શહેરની શાંતિ જોખમાય નહીં તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.




