સુરતમાં સાયબર માફિયાઓએ 62 વર્ષના વૃદ્ધને ડિજીટલ એરેસ્ટ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેમાં 62 વર્ષીય અમિત દેસાઈને 72 કલાક સુધી ડિજીટલ એરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા ઘટનાને પગલે સાયબર ક્રાઇમ ટીમ વૃદ્ધ પાસે પહોંચી હતી અને તેમને બચાવી લીધા હતા. 62 વર્ષના અમિત દેસાઈ સુરત મનપા પૂર્વ કર્મચારી છે. તેમને સાયબર માફિયાઓએ 5 કરોડના મની લોન્ડરીંગનો આરોપ લગાવીને ડિજીટલ એરેસ્ટ કર્યા હતા. તેમને આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરાયો હોવાનું જણાવીને ડિજીટલ એરેસ્ટ કરાયા હતા.
લાઈવ ડિજીટલ એરેસ્ટ દરમિયાન પોલીસ વૃદ્ધ પાસે પહોંચી ગઇ હતી. નવાઇની વાત એ છે કે ડિજિટલ એરેસ્ટ દરમિયાન કોર્ટ ઉભી કરાઇ હતી અને સજાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી.આરોપીઓએ તેમની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાંચ તરીકે આપી હતી અને તે ધનિક વ્યક્તિઓને ટાર્ગેટ બનાવતા હતા. સીબીઆઈ લેટરપેડ પણ આરોપીઓ તરફથી મોકલવામાં આવ્યો હોવાનું જાણાયું હતું. સાયબર ક્રાઇમ ટીમે સમયસર પગલાં લઈ અમિત દેસાઈને બચાવીને વધુ તપાસ હાથ ધરી છે. આગળ તપાસમાં સમગ્ર કાયદાકીય અને આર્થિક દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. પોલીસ આ સાયબર માફિયાઓને ટ્રેસ કરી રહી છે.



