છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં આગ લાગવાની ઘટના વધી રહી છે. ગઈકાલે રાત્રે શહેરમાં બે જગ્યાએ આગ લાગવાની ઘટના ઘટી હતી. જે પૈકીની એક ઘટના સાગર કેમિકલ કંપનીમાં ઘટી હતી. જ્યારે બીજી ઘટના નારોલ વિસ્તારની એક સોસાયટીમાં ઘટી હતી. જેમાં બે લોકોના મોત થયા છે.
નારોલ વિસ્તારમાં આવેલા સત્યમ નગરના એક મકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી. રાત્રે ઘરમાં યુવક-યુવતી અને એક મહિલા હાજર હતા. યુવતી જમવાનું બનાવી રહી હતી. ત્યારે ગેસ લીકેજ થતાં ભીષણ આગ લાગી હતી અને ત્યારબાદ જોરદાર ધડાકા સાથે ગેસનો બાટલો ફાટ્યો હતો. મકાનમાંથી આગ નીકળતી જોઈને લોકો ટોળે વળ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે દાઝી ગયેલા યુવક-યુવતી અને બેભાન હાલતમાં રહેલી મહિલાને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.હોસ્પિટલમાં તબીબી સારવાર દરમિયાન યુવક-યુવતીનું મૃત્યુ થયું હતું. જ્યારે ગંભીર રીતે દઝાયેલી 40 વર્ષીય મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નારોલ પોલીસની પ્રાથમિક તપાસમાં રાત્રે જમવાનું બનાવતી વખતે ગેસ લીકેજ થતા આગ લાગી અને બાદમાં બાટલો ફાટતાં આગ વધુ પ્રસરી હોવાનું જાણવા મળ્યું છે. બે વ્યક્તિઓના મૃત્યુને પગલે નારોલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



