અમદાવાદ શહેરની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે લોકો જીવદયાના ભાવે પક્ષીઓને ચણ અને પ્રાણીઓને ખોરાક આપતા હોય છે, પરંતુ આ સદભાવના હવે જાહેર સ્થળો માટે ન્યૂસન્સ બની રહી છે. રિવરફ્રન્ટ પર ગંદકી અને અસ્વચ્છતાની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્રએ હવે આ વિસ્તારમાં પક્ષી-પ્રાણીઓને ખવડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.
રિવરફ્રન્ટ અને તેની આસપાસના રસ્તાઓ પર આ પ્રતિબંધનો કડક અમલ કરાવવા માટે AMCએ 10 સભ્યોની વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટીમમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. આ ટાસ્ક ફોર્સ રિવરફ્રન્ટ પર એવા હોટસ્પોટ્સની ઓળખ કરશે જ્યાં લોકો મોટી સંખ્યામાં ચણ નાખતા હોય છે અને તેમને દૂર કરવાની કામગીરી કરશે. જો કોઈ નિયમનો ભંગ કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પબ્લિક હેલ્થ બાયલોઝ-2012 હેઠળ જાહેર સ્થળો પર પક્ષીઓને ચણ નાખવી કે પ્રાણીઓને ખવડાવવું એ પ્રતિબંધિત છે. મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા મુજબ, કલમ 50.1(7) અંતર્ગત ઉલ્લંઘન કરનાર વ્યક્તિને 100 રૂપિયાનો દંડ અને વધારાનો વહીવટી ચાર્જ ફટકારવાની જોગવાઈ છે. અત્યાર સુધી આ નિયમનું પાલન કરાવવામાં થોડી ઢીલાશ રાખવામાં આવી હતી, જેના કારણે ગંદકીમાં વધારો થયો હતો, પરંતુ હવે તંત્રએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે.
રિવરફ્રન્ટ બાદ હવે AMC આગામી સમયમાં આ પ્રતિબંધને સમગ્ર શહેરમાં તબક્કાવાર લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. જાહેર રસ્તાઓ પર કૂતરાઓને ખવડાવવાને કારણે થતી સમસ્યાઓને રોકવા માટે પણ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન દ્વારા જુલાઈ 2024માં જ આ અંગે નિર્દેશો આપવામાં આવ્યા હતા, જેનું હવે ગ્રાઉન્ડ લેવલ પર અમલીકરણ શરૂ થયું છે. આગામી સમયમાં દંડની રકમમાં વધારો કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.




